ભારતે તેની સ્વદેશી ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું સફળ ફ્લાઇટ ટેસ્ટિંગ કર્યું છે. આ મલ્ટિ-લેયર સિસ્ટમ QRSAM, VSHORADS અને DEW મિસાઇલ સહિત અનેક ટેકનોલોજીને જોડીને દેશની સંરક્ષણ ક્ષમતાને મજબૂત કરશે. જાણો આ સિસ્ટમની ખાસિયતો અને ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં તેની શું અસરો થશે.

નવી દિલ્હી, રવિવાર
ભારતીય સેના સતત સ્વદેશી ટેકનોલોજીની મદદથી સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એડવાન્સ બની રહી છે. તાજેતરમાં, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)એ ૨૩ ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ ઓડિશાના દરિયાકિનારે ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ફ્લાઇટ ટેસ્ટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ ટેસ્ટિંગ બપોરે લગભગ ૧૨:૩૦ વાગ્યે કરવામાં આવ્યું હતું.
IADWS સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ
આ IADWS એક મલ્ટિ-લેયર એર ડિફેન્સ સિસ્ટમ છે, જે અનેક પ્રકારના હવાઈ હુમલાઓનો સામનો કરવા માટે સક્ષમ છે. આ સિસ્ટમમાં જમીન પરથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ જેવી કે QRSAM (Quick Reaction Surface-to-Air Missile), અત્યંત ટૂંકી રેન્જની એર ડિફેન્સ સિસ્ટમ VSHORADS (Very Short-Range Air Defence System), અને હાઈ-પાવરવાળા લેઝર આધારિત DEW (Directed Energy Weapon)નો સમાવેશ થાય છે.
આ સિસ્ટમમાં રડાર, લોન્ચર્સ, ટાર્ગેટિંગ અને ગાઇડન્સ સિસ્ટમ્સ, મિસાઇલ અને કમાન્ડ-એન્ડ-કંટ્રોલ યુનિટ્સને એકસાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યા છે, જેથી એક વ્યાપક હવાઈ સુરક્ષા કવચ બનાવી શકાય. વિદેશી સિસ્ટમ્સ પર નિર્ભરતા ઘટાડીને ભારતે આત્મનિર્ભરતાના માર્ગે એક મોટું પગલું ભર્યું છે. આ સિસ્ટમ ભારતની મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રેટેજિક સંપત્તિઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે.
આ સફળ ટેસ્ટિંગ ભારતના મિસાઇલ પ્રોગ્રામ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. નોંધનીય છે કે, આ પહેલા ૨૦ ઑગસ્ટના રોજ ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પરથી ન્યુક્લિયર કેપેબલ અગ્નિ-૫ ઇન્ટરમીડિએટ-રેન્જ બેલિસ્ટિક મિસાઇલનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDO અને ભારતીય સેનાને અભિનંદન આપ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે આ ટેસ્ટિંગ દેશની મલ્ટિ-લેયર એર ડિફેન્સ કેપેબિલિટીને મજબૂત કરશે અને દુશ્મનના હવાઈ હુમલાઓ સામે દેશના મહત્વપૂર્ણ સ્થળોનું રક્ષણ કરશે. આ સફળ ટેસ્ટિંગ ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ ઊંચાઈ પર લઈ જશે અને ‘આત્મનિર્ભર ભારત’ના લક્ષ્યને વધુ મજબૂત બનાવશે.











