ભારત-યુકે વેપાર કરાર: ત્રીજી સૌથી મોટી વૈશ્વિક શક્તિ બનવા તરફ ભારતનું ઐતિહાસિક પગલું!

મંત્રીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ફૂડપાર્ક માટેના MOU અને લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા માટે રાજ્ય સરકારે લીધેલા પગલાંઓની પણ માહિતી આપી હતી, જેનાથી ઉદ્યોગોને મોટો ફાયદો થશે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI), રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ, તેમજ વિદેશ વેપાર મહા નિર્દેશાલયના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે “ભારત-યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA)” પર એક મહત્ત્વપૂર્ણ ઓપન ફોરમ કાર્યક્રમ યોજાયો. ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે વ્યાપાર અને રોકાણની નવી તકો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

ભારતને “વિકસિત ભારત@2047” તરફ લઈ જતો કરાર

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિકોણ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે CETA કરાર થકી ભારત આગામી સમયમાં વિશ્વની 3જી સૌથી મોટી શક્તિ બનવાના પ્રયાસોને નવી ગતિ આપશે. મંત્રીએ ઉમેર્યું કે આ કરારથી ગુજરાતના ઉત્પાદકો, નિકાસકારો અને સ્ટાર્ટઅપ્સ માટે UK જેવા વિકસિત બજારમાં પ્રવેશ સરળ બનશે, જે રાજ્ય માટે એક સુવર્ણ અવસર સમાન છે. આનાથી “વોકલ ફોર લોકલથી ગ્લોબલ” સુધીનો ઉદ્દેશ પણ સિદ્ધ થશે.

નિકાસ માટે ડ્યુટી-મુક્ત ઍક્સેસ: કાપડથી ઝવેરાત સુધી નવી તકો
GCCIના પ્રમુખ સંદીપ એન્જિનિયરે CETA ને UK સાથે ભારતના સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ ગણાવ્યો, જે આર્થિક એકીકરણ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ખાસ કરીને UKમાં ભારતની 99% નિકાસ માટે અભૂતપૂર્વ ડ્યુટી-મુક્ત ઍક્સેસ પર ભાર મૂક્યો.

એન્જિનિયરએ ઉમેર્યું કે, આ કરારથી કાપડ, દરિયાઈ ઉત્પાદનો, લેધર, ફૂટવેર, રમતગમતના સામાન, રમકડાં, રત્નો અને ઘરેણાં જેવા વિવિધ ઉદ્યોગોને નિકાસની અનેક નવી તકો પ્રાપ્ત થશે.

ઝીરો ડ્યુટી અને નિકાસ વૃદ્ધિ
રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મતી મમતા વર્માએ CETA ને રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ અને “વિકસિત ભારત@2047” ના વિઝન તરફનું એક ઐતિહાસિક પગલું ગણાવ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે UKમાં ભારતીય ઉત્પાદનો પર શૂન્ય ડ્યુટી લાગુ થવાથી નિકાસને ખૂબ વેગ મળશે.

ગુજરાત: મુખ્ય નિકાસકાર રાજ્ય તરીકે ઉભરી આવશે
ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપે ડ્યુટી-ફ્રી ઍક્સેસ ધરાવતા ઉત્પાદનોની વિગતો આપતા જણાવ્યું કે ગુજરાત ખનિજ બળતણ અને તેલ, કાગળના ઉત્પાદનો, ઇલેક્ટ્રિકલ મશીનરી, ફાર્માસ્યુટિકલ્સ, ઝવેરાત, સિરામિક્સ, ન્યુક્લિયર રિએક્ટર, બોઇલર અને મશીનરી જેવા ક્ષેત્રોમાં ઉત્પાદનોના અગ્રણી નિકાસકારોમાંનું એક રાજ્ય છે. તેમણે RMG, હોમ ટેક્સટાઈલ, કાર્પેટ અને હસ્તકલા જેવા ક્ષેત્રોમાં પણ આ કરારને કારણે વિક્રમજનક વિકાસની શક્યતાઓ દર્શાવી હતી.

આ ઓપન ફોરમ કાર્યક્રમમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, વાઇસ પ્રેસિડેન્ટ અપૂર્વ શાહ, GCCI ઇન્ટરનેશનલ ટ્રેડ કમિટીના ચેરમેન અનિલ જૈન, INDEXTBના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપત સહિત અનેક અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!