ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં,માર્કો રૂબિયોએ ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ ગણાવ્યું

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ સંકેત મળ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે બંને દેશો કરારની ખૂબ નજીક છે.

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને લઈને મહત્વપૂર્ણ સંકેત મળ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે બંને દેશો કરારની ખૂબ નજીક છે. તેમના જણાવ્યા મુજબ, હવે માત્ર થોડા મુદ્દાઓ પર સહમતિ સાધવાની બાકી છે. આ નિવેદનથી લાંબા સમયથી ચર્ચામાં રહેલા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે આશા વધી છે.

મુંબઈમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન વેપાર, ઊર્જા અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, રૂબિયોએ વૈશ્વિક ઊર્જા બજારમાં ભારતની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી.

ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં સારા સમાચારની આશા

રૂબિયોએ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશો નજીક પહોંચી ગયા છે. તેમણે આશા વ્યક્ત કરી કે બાકી રહેલા મુદ્દાઓનો ઉકેલ ટૂંક સમયમાં આવી શકે છે.

જોકે, અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા સીધી રીતે વેપાર કરારની વાટાઘાટો કરવામાં આવતી નથી. તેમ છતાં, રૂબિયોએ કહ્યું કે તેઓ આ પ્રક્રિયા સાથે જોડાયેલા છે. હવે બંને દેશોના નેતાઓ કરાર પર હસ્તાક્ષર કરે તે પહેલાં કેટલીક બાબતોને અંતિમ સ્વરૂપ આપવાનું બાકી છે.

ભારતને ગણાવ્યું ‘રિફાઇનિંગ સુપરપાવર’

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતની તેલ શુદ્ધિકરણ ક્ષમતાનાં વખાણ કર્યાં હતાં. તેમણે ભારતને ‘રિફાઇનિંગ સુપરપાવર’ ગણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, ભારત ભારે કાચા તેલ એટલે કે હેવી ક્રૂડ ઓઈલને શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે. વૈશ્વિક ઊર્જાની જરૂરિયાતો પૂરી કરવામાં ભારત આ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.

ખાસ કરીને, વેનેઝુએલાના તેલનું ઉત્પાદન વધે તો તેને શુદ્ધ કરવામાં ભારતની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે. આ મુદ્દે અમેરિકી પ્રતિનિધિમંડળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ ચર્ચા કરશે.

જામનગર રિફાઇનરીની મુલાકાત પર સૌની નજર

રૂબિયોની ભારત મુલાકાત દરમિયાન ગુજરાતના જામનગરનું વિશેષ મહત્ત્વ છે. તેઓ 21 ઑક્ટોબરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની જામનગર રિફાઇનરીની મુલાકાત લેવાના છે.

જામનગરમાં વિશ્વના સૌથી મોટા એક જ સ્થળે આવેલા રિફાઇનિંગ કોમ્પ્લેક્સમાંનું એક આવેલું છે. તેથી આ મુલાકાત દરમિયાન ઊર્જા સુરક્ષા અને વેનેઝુએલાના ક્રૂડ ઓઈલના પ્રોસેસિંગ અંગે ચર્ચા થઈ શકે છે.

આ મુલાકાતથી ભારત અને અમેરિકા વચ્ચે ઊર્જા ક્ષેત્રે સહકાર વધવાની શક્યતા છે. જોકે, કોઈ ચોક્કસ કરાર થયો હોવાની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી.

રશિયન તેલ અંગે ભારતની નીતિ પર શું કહ્યું?

ભારત દ્વારા રશિયા પાસેથી કાચા તેલની ખરીદી અંગે પણ રૂબિયોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત ઊર્જાના વિવિધ સ્ત્રોતો તરફ આગળ વધી રહ્યું છે. તેમના મતે, આ એક વ્યવહારુ પગલું છે.

રૂબિયોએ એ પણ સ્વીકાર્યું કે રશિયન તેલ પરની નિર્ભરતા એક જ દિવસમાં ઘટાડવી સરળ નથી. તેમ છતાં, ભારતે ઊર્જાના વિકલ્પો વધારવામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

વેપાર, સંરક્ષણ અને ઊર્જા ક્ષેત્રે સહકાર પર ચર્ચા

મુંબઈમાં રૂબિયા અને જયશંકર વચ્ચેની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા થઈ હતી. તેમાં વેપાર, ઊર્જા, ટેક્નોલોજી, સંરક્ષણ અને બંને દેશોના નાગરિકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે.

હવે સૌની નજર ભારત-અમેરિકા ટ્રેડ ડીલની સત્તાવાર જાહેરાત પર છે. કરાર પર હસ્તાક્ષર થયા બાદ જ તેની શરતો અને ભારતને મળનારા ચોક્કસ લાભો સ્પષ્ટ થશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!