આસ્થાનું અપમાન: 10 દિવસની આરાધના પછી સાબરમતીના કિનારે દશામાની મૂર્તિઓની દુર્દશા

સાબરમતી નદીના કિનારે અને શહેરના ઘણા વિસ્તારોમાં દશામાની મૂર્તિઓના ઢગલા થઈ ગયા છે. આ દ્રશ્યો આસ્થા અને પર્યાવરણ બંને માટે ચિંતાજનક છે.

અમદાવાદ, રવિવાર
શ્રદ્ધા અને આસ્થાના પર્વ દશામાની 10 દિવસની ભક્તિમય ઉજવણી બાદ હવે એક દુઃખદ ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદમાં દશામાના વિસર્જન બાદ સાબરમતી નદીના કિનારે માતાજીની મૂર્તિઓના ઢગલા જોવા મળી રહ્યા છે. જે મૂર્તિઓની 10 દિવસ સુધી પૂજા કરવામાં આવી, એ જ મૂર્તિઓને લોકો બેદરકારીપૂર્વક રસ્તા પર અને નદીના કિનારે છોડીને જતા રહ્યા છે.

ઘરે વિસર્જનની અપીલ છતાં બેદરકારી
દશામાના વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે જ પ્લાસ્ટિકની ડોલ કે ટબમાં વિસર્જન કરવાની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાણીના સ્ત્રોતોને પ્રદૂષણથી બચાવવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેમ છતાં, મોટાભાગના લોકોએ આ સૂચનાઓને અવગણીને મૂર્તિઓને રસ્તા પર અને નદીના કિનારે છોડી દીધી છે.

રસ્તા પર મૂર્તિઓના ઢગલા, તંત્ર એક્શનમાં
સાબરમતી નદીના કિનારે અને શહેરના ઘણા વિસ્તારોમાં દશામાની મૂર્તિઓના ઢગલા થઈ ગયા છે. આ દ્રશ્યો આસ્થા અને પર્યાવરણ બંને માટે ચિંતાજનક છે. આ બાબતને ગંભીરતાથી લઈને AMC દ્વારા મૂર્તિઓને હટાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી સફાઈ જાળવી શકાય અને પ્રદૂષણ અટકાવી શકાય.

જાગૃતિનો અભાવ કે આસ્થાનું અપમાન?
આ ઘટના અનેક સવાલો ઉભા કરે છે. શું લોકોમાં પર્યાવરણ અને ધાર્મિક શ્રદ્ધા પ્રત્યે જાગૃતિનો અભાવ છે? 10 દિવસ સુધી પૂજા કરાયેલી મૂર્તિને આ રીતે રઝળતી છોડી દેવી એ ખરેખર માતાજીની આસ્થાનું અપમાન છે. આ પ્રવૃત્તિથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી રહી છે અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!