ઈઝરાયલ-ઈરાન યુદ્ધ: દરરોજનો ખર્ચ 62 અબજ, આર્થિક બોજ વધ્યો!

ગાઝા અને ઈરાન એમ બે મોરચે લડી રહેલા ઈઝરાયલને યુદ્ધનો દરરોજનો ખર્ચ અધધધ 62 અબજ થઈ રહ્યો છે. એક ચોંકાવનારી રિપોર્ટ અનુસાર, માત્ર જેટ ફ્યુઅલ અને હથિયારો પાછળ જ દરરોજ 26 અબજનો ખર્ચ થઈ રહ્યો છે.

ઇઝરાયલ, શુક્રવાર
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા આઠ દિવસથી ચાલી રહેલા સંઘર્ષે આર્થિક મોરચે ઈઝરાયલ પર મોટો બોજ નાખ્યો છે. બંને દેશો એકબીજા પર મિસાઈલ, ડ્રોન અને ફાઈટર જેટ્સ દ્વારા હુમલા કરી રહ્યા છે. એક તરફ ઈઝરાયલ ગાઝામાં હમાસ સામેની લડાઈ ચાલુ રાખી રહ્યું છે, તો બીજી તરફ તેને ઈરાન સાથે પણ બે મોરચે લડવું પડી રહ્યું છે. આ યુદ્ધમાં ઈઝરાયલને દરરોજ કરોડો ડોલર લશ્કરી અભિયાનો પર ખર્ચ કરવા પડી રહ્યા છે.

શરૂઆતી ઓપરેશન્સમાં ખર્ચમાં જબરદસ્ત ઉછાળો
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ઈરાન સામેના શરૂઆતી લશ્કરી ઓપરેશન્સમાં જ ઈઝરાયલનો ખર્ચ ઘણો વધી ગયો હતો. Ynet Newsના રિપોર્ટને ટાંકીને ઈકોનોમિક ટાઈમ્સ દ્વારા જણાવાયું છે કે, ઈઝરાયલી ડિફેન્સ ફોર્સના રિટાયર્ડ બ્રિગેડિયરના જણાવ્યા અનુસાર, આ ઓપરેશનના શરૂઆતી 48 કલાકમાં જ ઈઝરાયલને $1.4 બિલિયન (આશરે 125 અબજ)નો ખર્ચ થયો હતો.

દરરોજ 62 અબજનો ખર્ચ
દિવસો વિતતા આ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈઝરાયલ હવે ઈરાન સાથેના આ યુદ્ધમાં લશ્કરી ઓપરેશન્સ પર દરરોજ આશરે $725 મિલિયન (આશરે 62 અબજ) ખર્ચી રહ્યું છે. સરકારી આર્થિક સલાહકારોના મતે, માત્ર જેટ ફ્યુઅલ અને હથિયારો પર જ દેશને દરરોજ $300 મિલિયન (આશરે 26 અબજ)નો ખર્ચ થઈ રહ્યો છે.

યુદ્ધના કારણે ઉત્પાદન પર પણ અસર
આ યુદ્ધના કારણે દેશના ઘરેલુ ઉત્પાદન પર પણ નકારાત્મક અસર પડી રહી છે. આ સાથે જ સેના પરનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે. રિઝર્વમાં રહેલા સૈનિકોને પણ આર્મીમાં સામેલ કરીને યુદ્ધ મોરચે તૈનાત કરવામાં આવી રહ્યા છે. રિઝર્વ સૈનિકોને આર્મીમાં સામેલ કરવા પાછળ દરરોજ $27 મિલિયન (આશરે 2.33 અબજ)નો ખર્ચ થઈ રહ્યો છે.

ઈન્ટરસેપ્ટર્સનો ખર્ચ બોજ વધારી રહ્યો છે
ઈઝરાયલને ઈરાની મિસાઈલોને રોકવા માટે ઉપયોગમાં લેવાતા ઈન્ટરસેપ્ટર્સ પર પણ દરરોજ ઘણો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ ઈન્ટરસેપ્ટર્સ ઈઝરાયલની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને દરેક હુમલાનો જવાબ આપતી વખતે આના પર ઘણો ખર્ચ થાય છે. આ ઉપરાંત, ઈરાનના હુમલામાં ઈઝરાયલમાં ઈમારતોને પણ ઘણું નુકસાન થયું છે. આ ઈમારતોના પુનર્નિર્માણ પાછળ પણ ઈઝરાયલને ઘણો ખર્ચ કરવો પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!