અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા 2025: ઓપરેશન સિંદૂરનો ટેબ્લો અને પ્લેન ક્રેશની શ્રદ્ધાંજલિ બન્યા આકર્ષણ

આ રથયાત્રા ન માત્ર ભક્તિનો મહોત્સવ છે, પરંતુ એકતા અને શાંતિનો સંદેશ પણ આપે છે. ઓપરેશન સિંદૂર અને પ્લેન ક્રેશ જેવી ઘટનાઓએ આ વખતે યાત્રાને વધુ ભાવનાત્મક બનાવી.

અમદાવાદ, શુક્રવાર
આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા સાથે નીકળી. જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા 16 કિલોમીટરના રૂટ પર ફરી, ઓડિશાના પુરી પછી ભારતની બીજી સૌથી મોટી રથયાત્રા તરીકે ઓળખાતી આ યાત્રામાં લાખો ભક્તોએ ભાગ લીધો.

ઓપરેશન સિંદૂરનો ટેબ્લો 
આ વર્ષે રથયાત્રામાં ઓપરેશન સિંદૂરનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ હાથ ધરેલા ‘ઓપરેશન સિંદૂર’ની બહાદુરીને આ ટેબ્લો દ્વારા બિરદાવવામાં આવી. 14 ગજરાજ, 18 ભજન મંડળીઓ, 101 ટ્રક અને 30 અખાડાઓની સાથે આ ટેબ્લોએ લોકોનું ધ્યાન ખેંચ્યું.

શ્રદ્ધાંજલિનો સંદેશ
સરસપુર વિસ્તારમાં અમદાવાદના તાજેતરના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા 250થી વધુ લોકોની યાદમાં શ્રદ્ધાંજલિ પોસ્ટરો લગાવવામાં આવ્યા. “એક ઉડ્યું પ્લેન તો દુશ્મનોને રડાવ્યા, એક ઉડ્યું પ્લેન જેણે સ્વજનોને રડાવ્યા” જેવા સ્લોગન સાથેના આ પોસ્ટરોએ ભાવનાત્મક અસર છોડી. ભગવાન જગન્નાથને આવી દુર્ઘટનાઓથી રક્ષણની પ્રાર્થના પણ કરવામાં આવી.

કર્નલ સોફિયા કુરેશીથી પ્રેરિત યુવતીઓ
રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની હીરો કર્નલ સોફિયા કુરેશીથી પ્રેરાઈને ઘણી યુવતીઓ તેમના યુનિફોર્મમાં સજ્જ થઈને જોવા મળી. કેટલીક યુવતીઓએ તેમના ટેટૂ પણ ચિતરાવ્યા, જે યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું. યાત્રામાં 2500 સાધુ-સંતો, 18 શણગારેલા હાથીઓ, 101 ટ્રક અને 30 અખાડાઓ જોડાયા.

શા માટે અમદાવાદની રથયાત્રા ખાસ છે?
અમદાવાદની રથયાત્રા ધાર્મિક અને સામાજિક સંનાદનું પ્રતીક છે. હિન્દુ અને મુસ્લિમ સમુદાયો એકસાથે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાનું સ્વાગત કરે છે. સરસપુરમાં ભગવાનનું મામેરું અને જમણવારનું આયોજન યાત્રાની રોનક વધારે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!