જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર કુદરતી આફત ત્રાટકી છે. કિશ્તવાડ બાદ હવે કઠુઆમાં વાદળ ફાટવાથી ભારે તબાહી મચી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને અનેક ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા છે. જાણો આ ઘટનાની સંપૂર્ણ વિગત.

જમ્મુ-કાશ્મીર, રવિવાર
જમ્મુ અને કાશ્મીરમાં કુદરતનું વિકરાળ રૂપ ફરી એકવાર જોવા મળ્યું છે. કિશ્તવાડમાં થયેલી દુર્ઘટનાના થોડા જ દિવસો બાદ, હવે કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું છે. આ ઘટના રવિવારે વહેલી સવારે બની, જેના કારણે 4 લોકોના મોત થયા છે અને આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે.
કઠુઆમાં ભયાનક વિનાશ
કઠુઆના જોડ વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે નદી-નાળામાં પૂર આવ્યું છે. આ અચાનક આવેલા પૂરમાં અનેક ઘરો કાટમાળ નીચે દટાઈ ગયા છે. નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પરિસ્થિતિ ઘણી ગંભીર છે. રાહત અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે.
હાઈવે પણ પ્રભાવિત
આ ઘટનાને કારણે જમ્મુ-પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો એક ભાગ પણ કાટમાળ નીચે આવી ગયો છે, જેના કારણે ટ્રાફિક અવરજવર ખોરવાઈ ગઈ છે. રસ્તો ફરીથી શરૂ કરવા માટે હાઈવે ઓથોરિટીની ટીમો કામ કરી રહી છે.
કિશ્તવાડ દુર્ઘટના અને રાહત કાર્ય
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કિશ્તવાડમાં પણ વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના બની હતી, જેમાં લગભગ 65 લોકોના મોત થયા હતા. જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં 25 ગંભીર રીતે ઘાયલ દર્દીઓની મોટી સર્જરી કરીને તેમના જીવ બચાવવામાં આવ્યા હતા.
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કિશ્તવાડના પ્રભાવિત ગામની મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી આર્થિક સહાયની જાહેરાત કરી હતી. તેમણે અસરગ્રસ્ત લોકોને લાંબા ગાળાની મદદ આપવાની ખાતરી પણ આપી હતી.











