દીકરીના લગ્ન માટેના 13 લાખના દાગીના ચોરાયા, રાયસણમાં ચોરીને અંજામ

સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે તેમના દીકરો નાહવા માટે ઉપરના બેડરૂમમાં ગયો. ત્યાં તેને સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો. અન્ય બેડરૂમમાં પણ તપાસ કરતા તે જ સ્થિતિ જોવા મળી. તપાસ કરતા કબાટમાં રાખેલા 5 લાખ રોકડા ગાયબ હતા.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં આવેલી સાગરવિલા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દીકરીના લગ્ન માટે ખરીદેલા આશરે 13.15 લાખના દાગીના અને 5 લાખ રોકડા સહિતનો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયા છે. આ ઘટના બાદ બંગલાના માલિકે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઘરફોડની ફરિયાદ નોંધાવી છે.

ઘટનાની વિગતો
પ્રાપ્ત માહિતી અનુસાર, સાગરવિલા સોસાયટીના બંગલા નંબર-9માં રહેતા અને કેમિકલનો વેપાર કરતા જીતેન્દ્રકુમાર પરષોત્તમદાસ પટેલના ઘરે આ ચોરી થઈ હતી. ગત રાત્રે તેમના ઘરના ઉપરના માળે આવેલા બેડરૂમમાં ACમાં ખરાબી હોવાથી પરિવાર નીચેના માળે સૂવા ગયો હતો.

સવારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે તેમના દીકરો નાહવા માટે ઉપરના બેડરૂમમાં ગયો. ત્યાં તેને સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો. અન્ય બેડરૂમમાં પણ તપાસ કરતા તે જ સ્થિતિ જોવા મળી. તપાસ કરતા કબાટમાં રાખેલા 5 લાખ રોકડા ગાયબ હતા. આ ઉપરાંત, આગામી ફેબ્રુઆરી મહિનામાં દીકરીના લગ્ન હોવાથી ઘરમાં લાવવામાં આવેલા દાગીના પણ ચોરાઈ ગયા હતા. ચોરાયેલા દાગીનામાં દોઢ તોલાની બે સોનાની ચેઇન, સોનાની બે વીંટી, એક સોનાની બુટ્ટી, ચાંદીના બે બિસ્કીટ, ચાંદીની ત્રણ પાયલ, ચાંદીના જુડા, 90 નંગ ચાંદીના સિક્કા, ગણેશજી અને લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ, અને ચાંદીની દીવીનો સમાવેશ થાય છે. કુલ 13.15 લાખની મત્તાની ચોરી થઈ હોવાનું અનુમાન છે.

પોલીસ તપાસ શરૂ
સોસાયટીના CCTV ફૂટેજ તપાસતા એક તસ્કર સોસાયટીમાં ફરતો જોવા મળ્યો હતો. તસ્કરે બંગલાની બારીના બે સળિયા વાળીને અંદર પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ઘરફોડની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છે અને તેઓ સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!