ગાંધીનગર LCBએ દહેગામના ઝાંક GIDCમાં વાઇબ્રન્ટ પાર્કના ગોડાઉન પર દરોડો પાડી 18 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો. જાણો કેવી રીતે LCBએ આ મોટા ઓપરેશનને પાર પાડ્યું.

દહેગામ, મંગળવાર
ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. દહેગામ તાલુકાના ઝાંક GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર અચાનક દરોડો પાડીને LCB ટીમે 18 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. આ મોટી કાર્યવાહીએ સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે.
બાતમીના આધારે LCB ત્રાટકી
ગાંધીનગર જિલ્લાના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. આ સૂચનાના પગલે LCBની ટીમ પેટ્રોલિંગ પર હતી, ત્યારે તેમને એક ગુપ્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, દહેગામના ઝાંક GIDCમાં આવેલા વાઈબ્રન્ટ પ્રાઈમ એન્ડ પાર્કના પ્લોટ નંબર 159 પર આવેલા ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
આ ચોક્કસ માહિતીના આધારે, LCB પીઆઈ એચ.પી. પરમાર અને તેમની ટીમે તરત જ સ્થળ પર પહોંચીને દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી.
કટરથી તાળું તોડીને ગોડાઉનમાં પ્રવેશ
LCB ટીમ જ્યારે ગોડાઉન પર પહોંચી, ત્યારે મુખ્ય દરવાજા પર તાળું મારેલું હતું અને ત્યાં કોઈ વ્યક્તિ હાજર નહોતું. પરંતુ બાતમી પાક્કી હોવાથી, ટીમે સમય બગાડ્યા વિના કટરની મદદથી તાળું તોડીને ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો.
અંદર તપાસ કરતાં એક બંધ બોડીવાળું પિકઅપ ડાલુ (નાનો ટેમ્પો) મળી આવ્યું હતું, જેની ચાવી પણ ત્યાં જ હતી. જ્યારે પોલીસે ડાલુ ખોલીને જોયું, તો તેઓ પણ ચોંકી ગયા. ડાલુની અંદર ખાખી પૂંઠાના બોક્સમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીનનો જથ્થો છુપાવેલો હતો.
18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
LCBએ પિકઅપ ડાલુ અને દારૂના જથ્થાને કબ્જે કરી વધુ ગણતરી માટે LCB કચેરીએ લાવી હતી. ગણતરી દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ મળી આવ્યો
વિદેશી દારૂ અને બિયર: કુલ 2340 નંગ
દારૂની કિંમત: 11,32,800
કુલ મુદ્દામાલ (દારૂ + પિકઅપ ડાલુ): 18,32,800
LCBએ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરીને આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને કોણ સપ્લાય કરી રહ્યું હતું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, LCBની આ મોટી રેડની જાણ થતાં જ એક સ્થાનિક બિલ્ડર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં સ્થાનિક પોલીસ નાના બુટલેગરો પકડી રહી હતી, ત્યાં LCB દ્વારા આટલા મોટા દારૂના કારોબારનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.











