કચ્છમાં લમ્પી વાયરસનો ફરી કેર: પશુપાલકોમાં ચિંતા, 78 કેસ સામે આવ્યા

આશરે બે વર્ષ પહેલાં લમ્પી રોગે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું.

 

કચ્છ, બુધવાર
બે વર્ષ પહેલાં પશુપાલકો માટે માથાનો દુખાવો બનેલો લમ્પી વાયરસ ફરી એકવાર કચ્છમાં દેખાયો છે. આ રોગે ફરીથી એક્ટિવ થતાં પશુપાલન વિભાગ સજાગ બન્યું છે અને યુદ્ધના ધોરણે રસીકરણ અને સર્વેની કામગીરી શરૂ કરી છે. હાલમાં જિલ્લામાં કુલ 78 કેસ સામે આવ્યા છે, જેમાંથી 47 પશુઓ સ્વસ્થ થયા છે.

આશરે બે વર્ષ પહેલાં લમ્પી રોગે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો હતો. હજારો પશુઓના મોત થયા હતા અને પશુપાલકોને મોટું નુકસાન થયું હતું. તે સમયની ભયાનક સ્થિતિ ફરી ન સર્જાય તે માટે પશુપાલન વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે.

પશુપાલન વિભાગ એક્શનમાં
જિલ્લા પશુપાલન અધિકારી નુરૂદ્દીન નાથાણીએ જણાવ્યું કે, “જિલ્લાના અમુક વિસ્તારોમાં ગાયોમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા બાદ તરત જ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. તમામ તાલુકાઓમાં પશુ તબીબોની ટીમો બનાવીને ગામેગામ રસીકરણની કામગીરી શરૂ કરી દેવાઈ છે.”

સર્વે મુજબ, કચ્છમાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના 78 કેસ નોંધાયા છે. જેમાંથી 47 ગાયોને ઝડપી સારવાર મળતા તેઓ હવે ખાવા-પીવા લાગી છે અને તેમની સ્થિતિ સુધારા પર છે. જોકે, 31 કેસ હજુ પણ એક્ટિવ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

કયા વિસ્તારોમાં કેસ નોંધાયા?
હાલમાં લમ્પીના કેસ મુખ્યત્વે અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકામાં જોવા મળ્યા છે. જ્યારે અબડાસા, નલિયા અને નખત્રાણા જેવા વિસ્તારોમાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી. પશુપાલન વિભાગનું કહેવું છે કે રસીકરણની કામગીરી વધુ વેગવંતી બનાવીને રોગને ફેલાતો અટકાવવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. પશુપાલકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમને પશુમાં લમ્પીના લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!