મહીસાગર: લુણાવાડાના સુવા ગામમાં કોતર ઓવરફ્લો, 25-30 લોકોનું રેસ્ક્યુ

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી લુણાવાડાના સુવા ગામમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા છે, જ્યાં તંત્ર દ્વારા 25થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું છે.

મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં લુણાવાડા, વીરપુર, બાલાસિનોર અને કોઠંબા પંથકમાં મુસળધાર વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે લુણાવાડા તાલુકાના સુવા ગામની કોતર છલકાઈ જતાં ગામમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. મુખ્ય માર્ગો પર કમરછાપ પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને સુવા ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે.

તંત્ર દ્વારા ત્વરિત કામગીરી: 25થી 30 લોકોનું સફળ રેસ્ક્યુ
સુવા ગામના નાયક ફળિયામાં પાણી ગરકાવ થઈ જતાં આશરે આઠ જેટલા મકાનો જળમગ્ન થઈ ગયા હતા. પરિસ્થિતિની નાજુકતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ અને સ્થાનિક વહીવટી ટીમે તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. ટીમ દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા ૨૫ થી ૩૦ ગ્રામજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

પરપ્રાંતીય દર્દીઓ અને યાત્રાળુઓ સુરક્ષિત આશ્રયમાં
આ આપત્તિ વચ્ચે, સુવા ગામ ખાતે આયુર્વેદિક સારવાર અર્થે વડોદરા અને અન્ય વિસ્તારોમાંથી આવેલા આશરે ૧૦૦ જેટલા લોકો પણ રસ્તાઓ બંધ થવાને કારણે ફસાઈ ગયા હતા. જોકે, તંત્ર અને ગામના સરપંચના સંકલનથી આ તમામ લોકોને સલામત સ્થળે આશ્રય આપવામાં આવ્યો છે. તેમના માટે રહેવા તેમજ ખાવા-પીવાની તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ઉચ્ચ અધિકારીઓનું સ્થળ પર મોનિટરિંગ
ઘટનાની જાણ થતાં જ મહીસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા પોલીસ વડા સફીન હસન, DDO યુવરાજ સિદ્ધાર્થ તેમજ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવીને રાહત અને બચાવ કામગીરીનું સીધું નિરીક્ષણ કર્યું હતું.

કોઠંબામાં દુકાનોમાં પાણી ઘૂસ્યા, કાચું મકાન ધરાશાયી
બીજી તરફ, કોઠંબા પંથકમાં પણ વાવાઝોડા સાથે પડેલા વરસાદથી બસ સ્ટેન્ડ અને નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. વેપારીઓની દુકાનોમાં પાણી પેસી જતાં ભારે આર્થિક નુકસાન થયું છે. આ ઉપરાંત, રાબડીયા ગામે એક કાચું મકાન ધરાશાયી થવાના અહેવાલ પણ સાંપડ્યા છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!