ગુજરાતમાં મેલેરિયા નિયંત્રણ: 196 ગામોમાં જંતુનાશક છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ, બીજો 1 ઓગસ્ટથી શરૂ

આરોગ્ય વિભાગ દ્વારા વેક્ટર-બોર્ન રોગોની સમગ્ર પરિસ્થિતિનું દૈનિક, અઠવાડિક અને માસિક ધોરણે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સઘન પ્રયાસોથી ગુજરાતમાં વેક્ટર-બોર્ન રોગોના ફેલાવાને નિયંત્રિત કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વેક્ટર-બોર્ન રોગોના નિર્મૂલન માટે આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્યભરમાં રોગ નિયંત્રણ માટે સઘન પગલાં લેવાઈ રહ્યા છે.

વેક્ટર-બોર્ન રોગોની વર્તમાન સ્થિતિ
આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ 4.48 કરોડથી વધુ બ્લડ સેમ્પલ અને 4.46 લાખથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન 8,956 મેલેરિયા કેસ, 15,841 ડેન્ગ્યુ કેસ અને 1,345 ચિકનગુનિયા કેસ નોંધાયા હતા.

વર્ષ 2025માં છેલ્લા 28 સપ્તાહમાં, 92.86 લાખથી વધુ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 860 મેલેરિયા કેસ જોવા મળ્યા હતા અને દુર્ભાગ્યવશ, 40 નાગરિકોના મૃત્યુ થયા હતા. ડેન્ગ્યુની તપાસ માટે 67 હજારથી વધુ સીરમ સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 728 ડેન્ગ્યુ કેસ અને 130 ચિકનગુનિયા કેસ નોંધાયા છે.

રોગ નિયંત્રણ માટે લેવાયેલા મુખ્ય પગલાં
આરોગ્ય વિભાગ દ્વારા વેક્ટર-બોર્ન રોગોની પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે:

જંતુનાશક દવા છંટકાવ: મેલેરિયા માટે સંવેદનશીલ 21 જિલ્લાના 196 ગામોની અંદાજે 2.04 લાખની વસ્તીને આવરી લેતા જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ રાઉન્ડ 16 મે, 2025 થી 11 જુલાઈ, 2025 સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ કામગીરીનો બીજો રાઉન્ડ 1 ઓગસ્ટ, 2025 થી શરૂ કરવામાં આવશે.

વેક્ટર કંટ્રોલ ટીમો: ચોમાસાની ઋતુ દરમિયાન વેક્ટર-બોર્ન રોગો માટે સંવેદનશીલ વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરીને સઘન બનાવવા માટે 2,460 વ્યક્તિઓ સાથે કુલ 492 વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે.

હાઉસ-ટુ-હાઉસ સર્વે: આરોગ્ય વિભાગ દ્વારા 9 થી 21 જૂન, 2025 દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ-ટુ-હાઉસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ ઝુંબેશમાં તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી, જેમાં 92% વસ્તીને આવરી લેવામાં આવી હતી. હાઉસ-ટુ-હાઉસ સર્વેનો બીજો રાઉન્ડ 21 જુલાઈ, 2025 થી શરૂ થશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!