LICમાં કાયમી નોકરીના નામે 400 ગરીબોને ઠગનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો, 1 કરોડથી વધુની છેતરપિંડી

હાલ પોલીસે આરોપી ચિકેશ શાહની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે તેણે આટલા બધા લોકો પાસેથી પડાવેલા પૈસાનો ઉપયોગ ક્યાં કર્યો અને આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ. આ ઘટના બાદ જરૂરિયાતમંદ લોકોએ નોકરીની લાલચમાં આવા ઠગોથી સાવધાન રહેવાની જરૂર છે.

અમદાવાદ, શુક્રવાર
LICમાં કાયમી નોકરી આપવાના બહાને 400થી વધુ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે છેતરપિંડી આચરનાર એક મોટા ઠગની આર્થિક ગુના નિવારણ શાખા (EOW) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીએ અંદાજે 1 કરોડથી વધુની રકમ પડાવી હોવાનું સામે આવ્યું છે. આરોપીની આ મોડસ ઓપરેન્ડી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

કોણ છે આ ઠગ?
પકડાયેલા આરોપીનું નામ ચિકેશ કાંતિલાલ શાહ છે. ચિકેશ શાહ અગાઉ LICમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરી ચૂક્યો હતો, જેનો લાભ લઈને તેણે સામાન્ય કર્મચારીઓને ટાર્ગેટ બનાવ્યા. તેણે લોકોને કાયમી નોકરીની લાલચ આપી અને દરેક વ્યક્તિ પાસેથી 5,000 થી 15,000 સુધીની રકમ ઉઘરાવી. આ રીતે, તેણે કુલ 46.50 લાખ પડાવી લીધા. જ્યારે લોકોએ નોકરી કાયમી ન થતાં પૈસા પાછા માંગ્યા, ત્યારે તેણે નોટરાઇઝ ડેકલેરેશન અને ચેક આપીને ગલ્લાતલ્લા કર્યા, પરંતુ કોઈ પણ પૈસા પરત કર્યા નહીં.

મોડસ ઓપરેન્ડી: આ રીતે બનાવ્યા શિકાર
ચિકેશ શાહ પોતાની જાતને ઊંચી વગ ધરાવતો અને સારી ઓળખાણવાળો વ્યક્તિ તરીકે રજૂ કરતો. તે ઈચ્છુક ઉમેદવારોને મીટિંગ માટે બોલાવીને વિશ્વાસમાં લેતો હતો. તેણે કેટલાક ભોગ બનેલા લોકોને તો દિલ્હી પણ બોલાવ્યા હતા, પરંતુ પોતે અલગ અલગ બહાના આપીને ત્યાં ગયો નહોતો. આ રીતે, તેણે સમય પસાર કરીને લોકોને વધુ છેતર્યા હતા.

આ કેસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ચિકેશ શાહે અંદાજે 400 લોકોને ટાર્ગેટ કરીને 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે. આ ઉપરાંત, તેની સામે ક્રાઈમ બ્રાન્ચ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પણ 4 જેટલા છેતરપિંડીના ગુના નોંધાઈ ચૂક્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!