પોલીસ કમિશનર સુનીલ કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસ અને મેડિકલ રિપોર્ટ્સ મુજબ, આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ છે.

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં મેડિકલ કૉલેજની વિદ્યાર્થીની પર થયેલા કથિત હુમલા અને રેપ કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. પોલીસ કમિશનર સુનીલ કુમાર ચૌધરીએ જણાવ્યું છે કે અત્યાર સુધીની તપાસ અને મેડિકલ રિપોર્ટ્સ મુજબ, આ ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સામેલ છે, જેના કારણે પોલીસે ‘ગૅંગરેપ’ની શક્યતાને નકારી કાઢી છે.
પોલીસે આ કેસમાં વિદ્યાર્થીનીના એક મિત્રની ધરપકડ કરી છે, જે ઘટનાના દિવસે (10 ઑક્ટોબર) તેને બહાર જમવા માટે લઈ ગયો હતો. પોલીસ કમિશનરે પુષ્ટિ કરી કે આ મિત્ર (માલદાનો રહેવાસી) પણ શંકાના દાયરામાં છે, અને તેના કપડાં ફોરેન્સિક તપાસ માટે મોકલી દેવાયા છે. પીડિતાના પિતાએ પણ 11 ઑક્ટોબરે નોંધાવેલી ફરિયાદમાં આ મિત્ર પર શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે અગાઉ પાંચ સ્થાનિક ગ્રામજનોની ધરપકડ કરી હતી, જેમની ભૂમિકાની હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ટીમ મિત્ર સહિતના આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને ક્રાઇમ સીનનું નાટ્ય રૂપાંતરણ કર્યું હતું. પીડિતાનું નિવેદન મંગળવારે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે. ધરપકડ કરાયેલા વિદ્યાર્થી મિત્રને આજે (બુધવારે) દુર્ગાપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પીડિતા હાલમાં સારવાર માટે તે જ ખાનગી મેડિકલ કૉલેજમાં દાખલ છે.











