દહેગામમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: જળબંબાકાર અને તારાજી જેવા દ્રશ્યો

દહેગામ-બાયડ હાઇવે પર આવેલા મેશ્વો નદીના બ્રિજ પહેલા સાઈડમાં બનાવેલી પ્રોટેક્શન દિવાલ પાસે મોટું ધોવાણ થયું છે. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ સ્થળે એક વિશાળ ગાબડું પડી ગયું છે.

દહેગામ, રવિવાર
લાંબા સમયના વિરામ બાદ, દહેગામ પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગઈકાલ રાતથી શરૂ થયેલો વરસાદ અવિરત છે.. સવાર સુધીમાં જ 5 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો હતો. દિવસ દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું.

દહેગામ શહેર ઉપરાંત લીહોડા, રખિયાલ, ખાનપુર પાલૈયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દહેગામના નહેરુ ચોકડીથી ITI રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મેશ્વો નદી બે કાંઠે
દહેગામ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદી બંને કાંઠે વહેવા લાગી છે, જે આ વર્ષે પહેલીવાર બન્યું છે. નદીના આ રમણીય નજારાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા અને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, આ ભારે વરસાદે દહેગામ શહેર અને તાલુકામાં તારાજીના દ્રશ્યો પણ સર્જ્યા છે.

સંપર્કવિહોણું નાની માછંગ ગામ
વરસાદના કારણે તાલુકાનું નાની માછંગ ગામ સંપર્કવિહોણું બની ગયું છે. ગામમાંથી બહાર નીકળી મુખ્ય રોડ પીંપલજ-વડોદ જવાના માર્ગ પર આવેલું ગરનાળું તૂટી જતાં ગ્રામજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગામમાંથી બહાર નીકળવાનો માર્ગ બંધ થઈ જતાં, સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે.

મેશ્વો નદી બ્રિજ પાસે મોટું ધોવાણ
દહેગામ-બાયડ હાઇવે પર આવેલા મેશ્વો નદીના બ્રિજ પહેલા સાઈડમાં બનાવેલી પ્રોટેક્શન દિવાલ પાસે મોટું ધોવાણ થયું છે. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ સ્થળે એક વિશાળ ગાબડું પડી ગયું છે. જો આ સ્થળને તાત્કાલિક સુરક્ષિત કરવામાં નહીં આવે, તો રોડ અને બ્રિજને પણ મોટું નુકસાન પહોંચી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઝાક-કડાદરા રોડની દયનીય હાલત વધુ બિસ્માર
દહેગામ પંથકમાં વરસાદ બાદ અગાઉથી જ ખરાબ હાલતમાં રહેલો ઝાક-કડાદરા રોડની સ્થિતિ વધુ બિસ્માર બની ગઈ છે. વરસાદ બાદ આ માર્ગ પરના ગરનાળાની હાલત જોઈને વાહનચાલકો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેનો સ્પષ્ટ અંદાજ આવી જાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!