મેટા અને ભારત સરકાર વચ્ચેનો વિવાદ શમ્યો, માર્ક ઝુકરબર્ગે માંગી માફી

CSAM અને ડીપફેક કોન્ટેન્ટ મુદ્દે મેટાએ ભારત સરકારની માફી માંગી દેશના આઇટી નિયમોનું કડક પાલન કરવાની ખાતરી આપી. 

ડીપફેક કોન્ટેન્ટ અને બાળ જાતીય શોષણ સંબંધિત સામગ્રી (CSAM) ના પ્રસાર તેમજ પ્લેટફોર્મ સંચાલનમાં થયેલી ચૂક બદલ મેટાના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ભારત સરકારને માફીનામું મોકલ્યું છે. આ સાથે જ કંપની અને સરકાર વચ્ચે સર્જાયેલો વિવાદ હવે ઉકેલાતો નજરે પડી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક ચોક્કસ પ્રકારના કોન્ટેન્ટને બૂસ્ટ કરવા માટે મોટી રકમનો ઉપયોગ કરાયો હોવાની વાત પણ મેટાએ સ્વીકારી લીધી છે.

‘સેફ હાર્બર’ સંરક્ષણ આપવાનો સરકારનો ઇનકાર
સરકારી સૂત્રો મુજબ, કેન્દ્ર સરકારે કંપનીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે મેટા માત્ર એક ‘ઇન્ટરમીડિયરી’ તરીકે દાવો કરી શકે નહીં, કારણ કે યુઝર્સ સુધી કઈ સામગ્રી પહોંચાડવી તે કંપની પોતે નક્કી કરે છે. આ સ્થિતિમાં IT એક્ટ હેઠળ મળતું ‘સેફ હાર્બર’ કાનૂની રક્ષણ મેટા પર લાગુ થશે નહીં. આ બાબતે પોતાની ખામી સ્વીકારીને મેટાએ ખેદ વ્યક્ત કર્યો છે.

કાયદાનું પાલન અને PM મોદીની પોસ્ટનો વિવાદ
સરકારે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ભારતના કાયદાનું પાલન કરવું કંપની માટે ફરજિયાત છે. આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક પોસ્ટ પ્લેટફોર્મ પરથી હટાવી દેવા અને વાંધાજનક સામગ્રીના પ્રસાર અંગે સરકારે કડક વલણ અપનાવ્યું હતું. તેના જવાબમાં મેટાએ દાવો કર્યો છે કે તેમની પાસે કડક આંતરિક નિયમો ઉપલબ્ધ છે અને પ્લેટફોર્મનો ગેરઉપયોગ સહન કરવામાં આવશે નહીં.

IT મંત્રાલય સાથે મેટાના અધિકારીઓની બેઠક
બુધવારે (5 ઓગસ્ટ) મેટાની ગ્લોબલ ટીમે માહિતી અને ટેકનોલોજી મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીની પોસ્ટ દૂર કરવાના મામલે સરકારે મેટાના અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં મહત્વપૂર્ણ પોસ્ટ્સ પર કરાયેલી ખોટી કાર્યવાહી, CSAM સામગ્રી પર રોક લગાવવામાં નિષ્ફળતા અને નિયમનકારી ધોરણો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!