શું હજુ વધશે બફારો કે ફરી ધબધબાટી બોલાવશે વરસાદ? જાણો શું છે IMDની લેટેસ્ટ આગાહી

દેશમાં ‘બ્રેક ઇન મોન્સૂન’ના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ ઘટ્યો છે, જોકે ૧૭ જુલાઈ બાદ સક્રિય થનારી નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે.

ભારતમાં હાલ ચોમાસાની બેવડી સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, તો બીજી તરફ મધ્ય અને પશ્ચિમ ભારતમાં લોકો બફારા અને ગરમીથી અકળાઈ રહ્યા છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, દેશના અનેક ભાગોમાં વરસાદી ગતિવિધિઓ થંભી ગઈ છે, જેને ‘બ્રેક ઇન મોન્સૂન’ તરીકે ઓળખવામાં આવે છે.

વરસાદ કેમ ઘટ્યો?
નબળી સિસ્ટમ: કેરળથી શરૂ થયેલું ચોમાસું મહારાષ્ટ્ર પહોંચતા જ ધીમું પડી ગયું હતું. બંગાળની ખાડીમાં જે ‘લો પ્રેશર’ સિસ્ટમ બનવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે.

ટ્રફનું સ્થાન વરસાદનો મુખ્ય સ્ત્રોત ગણાતી ‘મોન્સૂન ટ્રફ’ હાલ હિમાલયની તળેટીમાં સ્થિત છે, જેના કારણે હિમાચલ પ્રદેશથી બિહાર સુધી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, પરંતુ ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વરસાદનું જોર ઘટ્યું છે.

વૈશ્વિક પરિબળો: પેસિફિક મહાસાગરમાં થતા ફેરફારો અને અરબ સાગર પરથી બનતી સિસ્ટમ નબળી પડવાને કારણે ગુજરાત સહિતના પશ્ચિમ પ્રાંતોમાં વરસાદની ગતિ ધીમી પડી છે.

ગુજરાતમાં વરસાદની શક્યતા
ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, ૧૭ જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ફરી વધવાની પૂરી શક્યતા છે. નવી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત દિલ્હી સુધી ફરીથી વરસાદી માહોલ જામશે. હાલમાં રાજ્યમાં જે વરસાદ જોવા મળે છે તે સ્થાનિક પ્રેશરના કારણે છે, પરંતુ આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદની નવી સિસ્ટમ અસર દેખાડશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!