મુંબઈ 7/11 ટ્રેન બ્લાસ્ટ કેસ: તમામ 12 આરોપી નિર્દોષ જાહેર, 189ના નિપજ્યાં હતા મોત

11 જુલાઈ, 2006 ના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં માત્ર 11 મિનિટના ગાળામાં 7 બોમ્બ બ્લાસ્ટ થયા હતા.

મુંબઈ, સોમવાર
2006ના મુંબઈ 7/11 ટ્રેન બ્લાસ્ટ કેસમાં આજે બોમ્બે હાઈકોર્ટે મોટો અને ચોંકાવનારો ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે આ કેસના તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ આતંકી હુમલામાં 189 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 827 લોકો ઘાયલ થયા હતા. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, પ્રોસિક્યુશન (સરકારી પક્ષ) આરોપીઓ વિરુદ્ધ કેસ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.

શું હતો આ 7/11 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ?
11 જુલાઈ, 2006 ના રોજ મુંબઈની લોકલ ટ્રેનોમાં માત્ર 11 મિનિટના ગાળામાં 7 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ ભયાનક શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ આખા દેશને હચમચાવી દીધો હતો. આ હુમલામાં 189 લોકોના મોત થયા હતા અને 827 લોકો ઘાયલ થયા હતા.

એટીએસ એ આ કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 15 આરોપીઓ ફરાર જાહેર કરાયા હતા, જેમાં કેટલાક પાકિસ્તાનમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. વર્ષ 2015 માં, નીચલી અદાલત એ આ બ્લાસ્ટ કેસમાં 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 5 ને ફાંસી અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા હેઠળ, સરકારે 5 આરોપીઓની ફાંસીની સજાની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જ્યારે આરોપીઓએ પણ તેમની સજા વિરુદ્ધ અરજી કરી હતી.

બોમ્બે હાઈકોર્ટે શું કહ્યું પોતાના ફેંસલામાં?
ન્યાયમૂર્તિ અનિલ કિલોર અને ન્યાયમૂર્તિ શ્યામ ચંદકની બેન્ચે જણાવ્યું કે, “પ્રોસિક્યુશન એ સાબિત કરવામાં સંપૂર્ણપણે અસફળ રહ્યું છે કે, આરોપીઓ વિરુદ્ધનો કેસ શંકાથી પર છે.”

અદાલતે વધુમાં કહ્યું કે, પ્રોસિક્યુશનના લગભગ તમામ સાક્ષીઓ (વિટનેસ) ના નિવેદનો અવિશ્વસનીય (unreliable) જણાયા છે. કોર્ટ મુજબ, “ટેક્સી ડ્રાઈવરો કે ઘટનાસ્થળ પર હાજર અન્ય લોકો પાસે ધમાકાના લગભગ 100 દિવસ પછી પણ આરોપીઓને ઓળખવાનું કોઈ નક્કર કારણ નથી.”

જ્યાં સુધી બોમ્બ, બંદૂક, નકશા જેવા પુરાવાઓ (એવિડન્સ) ની રિકવરી (વસૂલી) નો સવાલ છે, અદાલતે કહ્યું કે, “આ કેસમાં તેની રિકવરી કોઈ માયને નથી રાખતી, કારણ કે પ્રોસિક્યુશન ધમાકાઓમાં ઉપયોગમાં લેવાયેલા બોમ્બના પ્રકારને ઓળખવામાં પણ અસફળ રહ્યું છે.”

સુનાવણી દરમિયાન શું થયું?
હાઈકોર્ટમાં જુલાઈ 2024 થી સતત છ મહિના સુધી આ કેસની સુનાવણી ચાલી. સુનાવણી દરમિયાન આરોપીઓ તરફથી હાજર રહેલા વકીલો (લોયર્સ) એ દલીલ કરી કે, મહારાષ્ટ્ર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ એક્ટ પછી તરત જ કરાયેલા કબૂલનામા જે પોલીસે રેકોર્ડ કર્યા હતા, તે પોલીસ અત્યાચાર હેઠળ લખાવવામાં આવ્યા હતા, તેથી તે વિશ્વસનીય નથી.

બચાવ પક્ષે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની તપાસનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ટ્રેન બ્લાસ્ટમાં ઈન્ડિયન મુજાહિદ્દીન (IM) ની સંડોવણી સામે આવી હતી અને IM સભ્ય સાદિકનું કબૂલનામું પણ રજૂ કરાયું હતું.

બીજી તરફ, સમગ્ર મામલામાં સરકારી વકીલ રાજા ઠાકરેએ ત્રણ મહિના સુધી દલીલ કરીને કહ્યું કે, “આ રેયરેસ્ટ ઓફ રેર (અતિ દુર્લભ) કેસ છે, ફાંસીની સજાની પુષ્ટિ થવી જોઈએ.”

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!