હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆત સાથે જ ભારે વરસાદ અને ભૂસ્ખલનથી આફત સર્જાઈ છે. અલગ-અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે 50 રસ્તાઓ અને 42 ટ્રાન્સફોર્મર ઠપ થઈ ગયા છે. જાણો લેટેસ્ટ સ્થિતિ અને હવામાન વિભાગનું એલર્ટ.

હિમાચલ પ્રદેશ, શુક્રવાર
હિમાચલ પ્રદેશમાં તાજેતરના ચોમાસાએ દસ્તક આપી દીધી છે. લોકોને કાળઝાળ ગરમીથી રાહત તો મળી છે, પરંતુ આ વરસાદ પોતાની સાથે મોટી આફત પણ લાવ્યો છે. રાજ્યના શિમલા, કાંગડા, લાહૌલ-સ્પીતિ અને ચંબા જિલ્લામાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
રસ્તાઓ અને વીજ પુરવઠાને ભારે નુકસાન
પહાડી વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે જમીન ધસી પડવાની ઘટનાઓ વધી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 50 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. વીજળીના 42 ટ્રાન્સફોર્મર બગડી જવાને કારણે અનેક ગામોમાં અંધારપટ છવાયો છે. ચંબા જિલ્લાના ભરમોરમાં સિયૂંર નાળામાં અચાનક પૂર આવતા ગ્રીમા તરફ જતો રોડ લગભગ 60 ફૂટ જેટલો પાણીમાં ધોવાઈ ગયો હતો. ચંબા-ભરમોર નેશનલ હાઈવે પણ ભૂસ્ખલનના કારણે આશરે 4 કલાક સુધી બંધ રહ્યો હતો, જ્યારે બિલાસપુરમાં પણ રસ્તા પર મોટા પથ્થરો અને માટી આવી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો.
અલગ-અલગ દુર્ઘટનાઓમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા
આપત્તિ વ્યવસ્થાપન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ચોમાસું બેઠા પછી અત્યાર સુધીમાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. જેમાં 4 લોકોના પગ લપસી જવાથી, 1 વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી, 1 નું કરંટ લાગવાથી અને અન્ય 3 લોકોના અલગ કારણોસર મોત થયા છે. આ ઉપરાંત 7 કાચા મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે.
કંડક્ટરનું કરુણ મોત: લાહૌલ-સ્પીતિમાં એચઆરટીસીના કંડક્ટર જ્ઞાન સિંહ સવારે ઉદયપુર પાસે એક વાવ નજીક બ્રશ કરી રહ્યા હતા. ત્યારે અચાનક પહાડ પરથી એક મોટો પથ્થર સીધો તેમના માથા પર પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
કરંટ લાગવાથી બે મોત: શિમલાના નિરસુ ગામ પાસે રસ્તા પર પડેલા લોખંડના તારમાં કરંટ આવતા એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. જ્યારે કાંગડાના દેહરામાં ઈલેક્ટ્રિક મોટર રિપેર કરી રહેલા એક પ્લમ્બરનું પણ કરંટ લાગવાથી મૃત્યુ થયું છે.
ખીણમાં ખાબકતા મોત: ચંબાના અગાહર ગામમાં એક મહિલાનો પગ લપસી જતાં તે ઊંડી ખીણમાં પડી ગઈ હતી, જેમાં તેણે જીવ ગુમાવ્યો છે.
હવામાન વિભાગનું ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિજ્ઞાન કેન્દ્ર (શિમલા) દ્વારા આગામી દિવસો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. કાંગડા અને મંડી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે કુલ્લુ, શિમલા, સિરમૌર અને ઊના માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
એક તરફ રોહતાંગ, બારાલાચા અને શિંકુલા પાસમાં હળવી બરફવર્ષા જોવા મળી છે, જેનાથી દિવસના તાપમાનમાં 6 ડિગ્રી સેલ્સિયસનો મોટો ઘટાડો નોંધાયો છે. જોકે, આ વરસાદને કારણે ખેડૂતોને ડાંગર અને મકાઈના પાકની વાવણીમાં સારી એવી મદદ મળી છે.











