દહેગામમાં 3.35 કરોડના ખર્ચે નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જાણો કઈ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ નવું ભવન.

દહેગામ, સોમવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વિકાસમાં આજે વધુ એક ઐતિહાસિક છોગું ઉમેરાયું છે. છેલ્લા ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તે નવનિર્મિત અને ભવ્ય તાલુકા પંચાયત કચેરીનું આજે મંગલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ કરોડ પાંત્રીસ લાખ રૂપિયાના માતબર ખર્ચે તૈયાર થયેલું આ નવું ભવન અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે દહેગામના વહીવટી કાર્યક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જશે.

સામૂહિક આરોગ્ય કેન્દ્રની બિલકુલ સામે તૈયાર કરવામાં આવેલું આ ભવન વહીવટી સરળતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. લોકાર્પણ પૂર્વે જ આ આખા બિલ્ડિંગને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જે દહેગામના નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ભવન કાર્યરત થવાથી હવે તાલુકાના છેવાડાના માનવીને સરકારી કામકાજ માટે સુગમતા રહેશે.

ભવ્ય લોકાર્પણ વિધિ ગુજરાત સરકારના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સંજયસિંહ મહિડાના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે દહેગામના રાજકીય અને વહીવટી ક્ષેત્રના અનેક દિગ્ગજો હાજર રહ્યા હતા. જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલ, દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે સહિત દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પારસબેન બિહોલા, દહેગામના નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કેતનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ગોપાલભાઈ બારોટ સહિતના દિગ્ગજો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


આ સિવાય તાલુકા પંચાયતનો સ્ટાફ, ચૂંટાયેલા સદસ્યો, ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં તાલુકાના સરપંચો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન તાલુકા વિકાસ અધિકારી પી. જે. મહિડા અને માર્ગ-મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. મંત્રી સંજયસિંહ મહિડાએ આ તકે દહેગામના વિકાસની ગતિને બિરદાવી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નવું ભવન જનતાની સેવા માટે એક મહત્વનું કેન્દ્ર બની રહેશે.












