જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગરે શેખર ઉર્ફે શાહરૂખ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં લઈને પાસા અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યું હતું.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ સક્રિય બની છે. રેન્જ ડી.આઇ.જી.પી. વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીની સૂચના હેઠળ, સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ એ ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા શેખર ઉર્ફે શાહરૂખ ખોડાભાઈ દંતાણીને પાસાહેઠળ ઝડપી પાડ્યો છે.
ઝડપી કાર્યવાહી
ગાંધીનગર LCB-1ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાની સૂચના અને માર્ગદર્શન હેઠળ, એ.એસ.આઇ. વિરભદ્રસિંહ લક્ષ્મણસિંહ રાણાએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોની યાદી તૈયાર કરી હતી. આ યાદીના આધારે, સેક્ટર-7 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરીના ગુના આચરનાર શેખર ઉર્ફે શાહરૂખ ખોડાભાઈ દંતાણી રહે. સેક્ટર છાપરા-13, ટોરેન્ટ પાવરની બાજુમાં, ગાંધીનગર, મૂળ રહે. ભટાસણ ગામ, કડી, જિ. મહેસાણા વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગરને મોકલવામાં આવી હતી.
પાસા વોરંટ અને ધરપકડ
જિલ્લા મેજીસ્ટ્રેટ ગાંધીનગરે શેખર ઉર્ફે શાહરૂખ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓને ધ્યાનમાં લઈને પાસા અટકાયતી વોરંટ ઇસ્યુ કર્યું હતું. LCB-1 પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાની સૂચનાથી, પી.આઈ. એન.બી. ચૌધરી અને તેમની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને શેખર ઉર્ફે શાહરૂખને શોધી કાઢ્યો. તારીખ 28 જૂન 2025 ના રોજ LCB-1, સેક્ટર-28, ગાંધીનગર ખાતે તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ, તેને યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ પાલારા ખાસ જેલ, ખાવડા રોડ, ભુજ-કચ્છ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.
ગુનાહિત પ્રવૃત્તિઓ
ચાલુ વર્ષ દરમિયાન, શેખર ઉર્ફે શાહરૂખ અને તેના સાગરીતોએ સેક્ટર-7 અને ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના અનેક ગુનાઓ આચર્યા હતા. જેમાં મુખ્યત્વે રિક્ષાના સ્પેર પાર્ટ્સ અને રોડ બનાવવા માટેના પેવર મશીન ચાલુ કરવા માટેના જનરેટરના કેબલ વાયરની ચોરીનો સમાવેશ થાય છે.











