હવે Androidથી iPhone માં ડેટા ટ્રાન્સફર થશે ચપટી વગાડતા, Apple-Googleની ઐતિહાસિક ડીલ

એન્ડ્રોઇડથી આઇફોન કે આઇફોનથી એન્ડ્રોઇડમાં ડેટા ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડી રહી છે? હવે ચિંતા કરવાની જરૂર નથી. Apple અને Google એક નવા ફીચર પર કામ કરી રહ્યા છે જેનાથી આ પ્રોસેસ એકદમ સરળ બની જશે. જાણો સંપૂર્ણ વિગત.

અમદાવાદ, બુધવાર
નવો સ્માર્ટફોન ખરીદવાનો ઉત્સાહ તો બધાને હોય છે, પણ એ ઉત્સાહ પર પાણી ત્યારે ફરી વળે છે જ્યારે જૂના ફોનમાંથી કોન્ટેક્ટ, ફોટા, વીડિયો અને એપ્સનો ડેટા નવા ફોનમાં ટ્રાન્સફર કરવાનો આવે. ખાસ કરીને જ્યારે કોઈ યુઝર એન્ડ્રોઇડમાંથી આઇફોન અથવા આઇફોનમાંથી એન્ડ્રોઇડ પર શિફ્ટ થાય, ત્યારે આ પ્રક્રિયા ખુબ જટિલ બની જાય છે. પણ હવે આ સમસ્યા ભૂતકાળ બનવા જઈ રહી છે કારણ કે ટેકનોલોજીની દુનિયાના બે સૌથી મોટા હરીફો, Apple અને Google, યુઝર્સની આ સમસ્યાને દૂર કરવા માટે હાથ મિલાવી રહ્યા છે.

હાલમાં કેવી રીતે થાય છે ડેટા ટ્રાન્સફર?
અત્યાર સુધી, જો કોઈ યુઝરને એન્ડ્રોઇડમાંથી આઇફોનમાં ડેટા મોકલવો હોય, તો તેમને Apple ની Move to iOS એપનો ઉપયોગ કરવો પડતો હતો. તેવી જ રીતે, આઇફોનમાંથી એન્ડ્રોઇડમાં ડેટા લાવવા માટે Googleની Switch to Android એપની જરૂર પડતી હતી. આ એપ્સ કામ તો કરે છે, પરંતુ ઘણીવાર તેમાં અમુક ડેટા ટ્રાન્સફર નથી થતો અથવા પ્રોસેસ અધવચ્ચે જ અટકી જાય છે, જેનાથી યુઝર્સને ઘણી મુશ્કેલી પડે છે.

શું છે Apple અને Google નો નવો પ્લાન?
મળતી માહિતી મુજબ, Apple અને Googleએ એક ડીલ કરી છે, જેના હેઠળ હવે બંને ઓપરેટિંગ સિસ્ટમ વચ્ચે ડેટા ટ્રાન્સફર માટે કોઈ અલગ એપની જરૂર નહીં પડે. આ એક બિલ્ટ-ઇન ફીચર હશે જે ફોનના સેટઅપ દરમિયાન જ તમને ડેટા ટ્રાન્સફરનો વિકલ્પ આપશે.

આ નવા ફીચરની એક ઝલક હાલમાં Android Canary બિલ્ડમાં જોવા મળી છે, જે એન્ડ્રોઇડનું એક ટેસ્ટિંગ વર્ઝન છે અને હાલમાં ફક્ત Google Pixel મોડલ્સ માટે જ ઉપલબ્ધ છે. આ નવા ફંક્શનની ખાસ વાત એ છે કે તે વધુ પ્રકારના ડેટા ટાઇપને સપોર્ટ કરશે, જેનાથી ટ્રાન્સફર પ્રોસેસ વધુ સરળ અને સંપૂર્ણ બનશે.

ક્યારે મળશે સામાન્ય યુઝર્સને આ ફીચર?
હાલમાં આ ફીચર ડેવલોપમેન્ટ અને ટેસ્ટિંગના તબક્કામાં છે, તેથી તેને સામાન્ય લોકો માટે ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, બંને કંપનીઓ આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી રહી છે. Apple સામાન્ય રીતે તેના નવા ફીચર્સને iOS અપડેટ દ્વારા એકસાથે બધા ડિવાઇસ માટે રિલીઝ કરે છે, જ્યારે એન્ડ્રોઇડમાં દરેક કંપની પોતાના હિસાબે અપડેટ્સ બહાર પાડે છે. આમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી કેટલાક મહિનામાં આ સુવિધા યુઝર્સ સુધી પહોંચી શકે છે. એકવાર આ ફીચર લોન્ચ થઈ ગયા પછી, ફોન બદલવો એ એકદમ સરળ અને તણાવમુક્ત અનુભવ બની જશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!