ગુજરાત સરકારે આત્મનિર્ભર ભારતને સમર્થન આપીને ઑફિશિયલ સંચાર માટે સ્વદેશી ઝોહો મેઇલ અપનાવવાનો મોટો નિર્ણય લીધો છે. જાણો રાજ્ય સરકારના આ પગલાથી ડેટા સુરક્ષા અને સ્વદેશી ટેકનોલોજીને કેવી રીતે મજબૂતી મળશે.

ગાંધીનગર, શુક્રવાર
કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાનને ગુજરાત સરકારે મજબૂત ટેકો આપ્યો છે. રાજ્ય સરકારે એક મહત્વનો આદેશ જાહેર કરીને હવે વિદેશી ઈમેઇલ સેવાઓનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ આદેશ મુજબ, હવેથી રાજ્ય સરકારના તમામ વિભાગો, બોર્ડ અને કોર્પોરેશનો દ્વારા ઑફિશિયલ સંચાર માટે સંપૂર્ણપણે સ્વદેશી પ્લેટફોર્મ ઝોહો મેઇલ Zoho Mail નો ઉપયોગ કરવામાં આવશે.
શા માટે ઝોહો મેઇલ? સ્વદેશી તરફ વળવાનો મક્કમ નિર્ણય
આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશની ટેકનોલોજી અને પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવાનો છે, જેને સ્વદેશી પહેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યાર સુધી સરકારી વિભાગો દ્વારા જે વિદેશી ઈમેઇલ સેવાઓનો ઉપયોગ થતો હતો, હવે તેની જગ્યાએ દેશમાં બનેલું અને વિકસેલું ઝોહો મેઇલ સ્થાન લેશે.
સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ છે કે ઝોહો મેઇલ એક શક્તિશાળી અને ફીચર-રિચ પ્લેટફોર્મ છે. આ મેઇલ પ્લેટફોર્મ ઘણી એવી સુવિધાઓ આપે છે, જે ઘણીવાર પ્રતિસ્પર્ધી ગણાતી Gmail જેવી સેવાઓમાં પણ ઉપલબ્ધ હોતી નથી.
ડેટા સુરક્ષાને મળશે મજબૂતી
સરકારના આ નિર્ણયથી ડેટા સુરક્ષા અને સંચારની બાબતમાં પણ સ્વદેશી સોલ્યુશનને મોટી તાકાત મળશે. સરકારી કામકાજમાં થતા સંચાર અને ડેટા હવે દેશની અંદર જ સુરક્ષિત રહેશે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક મોટો ફાયદો છે.
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ સ્વદેશી મેઇલ સેવા અપનાવી હતી, અને હવે ગુજરાત સરકારે તેને સત્તાવાર રીતે અપનાવીને દેશની ટેકનોલોજી પર પોતાનો ભરોસો મૂક્યો છે. આ પગલું બતાવે છે કે સરકાર હવે સંચાર માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.











