શું OpenAI હવે હાર્ડવેર માર્કેટમાં આવી રહ્યું છે? ચર્ચા છે કે કંપની ChatGPT-Pen બનાવી રહી છે જે વોઇસ કમાન્ડ અને રિયલ-ટાઇમ નોટ્સ લેશે. જાણો આ ખાસ ગેજેટ વિશેની તમામ વિગતો.

અમદાવાદ, ગુરૂવાર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની દુનિયામાં ધૂમ મચાવ્યા બાદ હવે OpenAI કંઈક નવું કરવા જઈ રહ્યું છે. અત્યાર સુધી આપણે ચેટજીપીટીનો ઉપયોગ મોબાઈલ કે કોમ્પ્યુટર સ્ક્રીન પર કરતા હતા, પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે કંપની પોતાનું હાર્ડવેર એટલે કે એક ખાસ પ્રકારની પેન બનાવી રહી છે. ટેકનોલોજીની દુનિયામાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે અને લોકોમાં તેને લઈને જબરદસ્ત કૂતુહલ જોવા મળી રહ્યું છે. આ પ્રોજેક્ટને કંપનીની અંદર ગમડ્રોપ (Gumdrop) નામ આપવામાં આવ્યું છે. જોકે, OpenAI એ સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત કરી નથી, પણ લીક થયેલી માહિતી મુજબ આ ડિવાઇસ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
ચેટજીપીટી-પેનમાં શું હશે ખાસ?
આ કોઈ સાદી પેન નહીં હોય, પણ તેમાં આધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ પેનમાં ઇનબિલ્ટ માઇક્રોફોન અને સ્પીકર હોઈ શકે છે. આ પેન રિયલ-ટાઇમ ટ્રાન્સક્રિપ્શનની ક્ષમતા ધરાવતી હશે. એટલે કે, તમે જે પણ બોલો કે લખો, તે આ પેન સમજી શકશે અને ડિજિટલ નોટ્સમાં ફેરવી શકશે. આ ઉપરાંત, તે એક પોર્ટેબલ ઓડિયો ડિવાઇસ તરીકે પણ કામ કરશે. તેમાં વોઇસ આસિસ્ટન્ટ હશે, જે તમારી સાથે વાતચીત કરી શકશે. તમારે કોઈ માહિતી જોઈતી હોય તો પેનને પૂછતા જ તે જવાબ આપશે.
સ્ટુડન્ટ્સ અને પ્રોફેસર્સ માટે આશીર્વાદરૂપ
આ ડિવાઇસનો સૌથી મોટો ફાયદો સ્ટુડન્ટ્સ અને ઓફિસમાં કામ કરતા લોકોને થશે. સામાન્ય રીતે લેક્ચર કે મીટિંગ દરમિયાન મહત્વની નોટ્સ લેવા માટે લેપટોપ ખોલવું પડે છે અથવા મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરવું પડે છે, જેમાં સમય બગડે છે. પરંતુ આ પેન ઇન્સ્ટન્ટ કામ કરશે.
આ પેન માત્ર રેકોર્ડિંગ જ નહીં કરે, પણ ચેટજીપીટીની મદદથી તેને ઓર્ગેનાઇઝ પણ કરશે. ધારો કે તમે કોઈ લેક્ચર રેકોર્ડ કર્યું છે, તો આ પેન તેમાંથી મહત્વના મુદ્દા તારવીને તમને સમરી આપી શકશે. ઓફિસ મીટિંગ્સમાં પણ મિનિટ્સ ઓફ મીટિંગ તૈયાર કરવા માટે આ ફીચર ખૂબ કામ લાગી શકે છે.
કોણ બનાવશે આ પેન?
શરૂઆતમાં એવી ચર્ચા હતી કે OpenAI આ પેન બનાવવા માટે લક્સશેર નામની કંપની સાથે મળીને કામ કરવાની હતી. પરંતુ પ્રોડક્શન લોકેશનને લઈને બંને કંપનીઓ વચ્ચે સહમતિ સધાઈ નહીં. હવે એવા સમાચાર છે કે આઇફોન બનાવતી પ્રખ્યાત કંપની ફોક્સકોન આ પેનનું પ્રોડક્શન કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોક્સકોન વિયેતનામમાં આવેલી તેમની ફેક્ટરીમાં આ પેનનું ઉત્પાદન કરશે. પહેલા આ પ્રોડક્શન અમેરિકામાં થવાનું હતું તેવી પણ વાતો હતી.
સોફ્ટવેરથી હાર્ડવેર તરફની નવી સફર
OpenAI મૂળભૂત રીતે એક સોફ્ટવેર કંપની છે, પરંતુ હવે તે હાર્ડવેર માર્કેટમાં પગ મૂકવા જઈ રહી છે. કંપનીનું પ્લાનિંગ એવી ડિવાઇસ બનાવવાનું હતું જેમાં કોઈ સ્ક્રીન ન હોય. આ માટે તેમણે ઘણા પ્રોટોટાઈપ તૈયાર કર્યા હતા, અને આખરે તેમણે પેન પર પસંદગી ઉતારી હોય તેમ લાગે છે. જો આ ચેટજીપીટી-પેન માર્કેટમાં આવશે, તો લખવાની અને નોટ્સ લેવાની પરંપરાગત રીત હંમેશ માટે બદલાઈ જશે. હવે જોવું એ રહ્યું કે કંપની આ અંગે સત્તાવાર જાહેરાત ક્યારે કરે છે.











