નવા પ્રસ્તાવિત કાયદા પર AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. જાણો શું રાષ્ટ્રપતિ ખરેખર વડાપ્રધાનને હટાવી શકે છે? અને આ બિલ લોકશાહી માટે કેમ જોખમી છે.

નવી દિલ્હી, મંગળવાર
તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા એક નવા બિલને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ બિલમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદ પર રહેલા નેતાઓને પદ પરથી હટાવવાની જોગવાઈ છે. આ મામલે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.
બંધારણ વિરુદ્ધનો પ્રસ્તાવ?
ઓવૈસીએ ખાસ કરીને એ મુદ્દા પર ધ્યાન દોર્યું કે શું રાષ્ટ્રપતિ પાસે ખરેખર વડાપ્રધાનને રાજીનામું આપવા માટે દબાણ કરવાની સત્તા છે? તેમણે જણાવ્યું કે ભારતીય બંધારણ મુજબ, રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહથી જ કામ કરે છે. પરંતુ આ નવા બિલમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ વડાપ્રધાનને પદ પરથી દૂર કરી શકે છે. ઓવૈસીના મતે, આ જોગવાઈ બંધારણની મૂળભૂત ભાવનાની વિરુદ્ધ છે.
જોગવાઈનો દુરુપયોગ થવાનો ભય
આ બિલ હાલમાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) પાસે મોકલવામાં આવ્યું છે. બિલમાં એક જોગવાઈ છે કે જો વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી જેવા કોઈ નેતા ગંભીર ગુનામાં ફસાઈ જાય અને સતત 30 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહે તો તેમને પદ પરથી હટાવી દેવામાં આવશે.
ઓવૈસીએ આ જોગવાઈનો દુરુપયોગ થવાનો ભય વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જો કેન્દ્ર સરકાર ઈચ્છે તો રાજકીય વિરોધીઓને ટાર્ગેટ કરવા માટે આ કાયદાનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે, જો રાજ્ય સરકારના 4-5 મંત્રીઓને ખોટા કેસમાં કસ્ટડીમાં લેવામાં આવે, તો તે રાજ્ય સરકાર આપોઆપ પડી શકે છે. ઓવૈસીએ કહ્યું કે આનાથી સત્તાનું સંતુલન બગડશે અને સમગ્ર કંટ્રોલ કેન્દ્ર સરકારના હાથમાં આવી જશે.
‘પોલીસ સ્ટેટ’ બનવાનો આરોપ
ઓવૈસીએ સંસદમાં આ બિલનો સખત વિરોધ કરતાં કહ્યું હતું કે સરકાર ‘પોલીસ સ્ટેટ’ (Police State) બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ચેતવણી આપી કે આ બિલ ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકારો છીનવી લેશે અને લોકશાહીના પાયાને નબળા પાડશે. તેમની દલીલ છે કે આ કાયદો સત્તાના ત્રણ સ્તંભો – કારોબારી, વિધાનસભા અને ન્યાયતંત્ર- ની સ્વતંત્રતાને નબળી પાડશે અને લોકોના વોટનું મહત્વ પણ ઘટાડશે. આ બિલનો અમલ થાય તો ભારતીય લોકશાહી પર ગંભીર અસર પડી શકે છે.











