સમાજના વિવિધ ક્ષેત્રો જેવા કે રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર અને વહીવટી વિભાગમાં પોતાની ફરજ નિભાવી રહેલા તેમજ સામાજિક ક્ષેત્રે લોકોને મદદ કરી રહેલા 71 જેટલા સમાજ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

દાહોદ, સોમવાર
દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રવિવારે દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ઓડિટોરિયમ ખાતે એક ભવ્ય શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 10:00 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પંચાલ સમાજના બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કરવાનો અને ધોરણ 12 પછી તેમની કારકિર્દી માટે યોગ્ય દિશા નિર્દેશ આપવાનો હતો.
આ કાર્યક્રમ માટે, દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મોટીવેશનલ સ્પીકર અને કોચ સુહાગ પંચાલને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના અને સ્વાગત પ્રવચનથી થઈ હતી. સુહાગ પંચાલે વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોનું સમાધાન કર્યું હતું અને તેમને કારકિર્દી સંબંધી મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સેશન દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તેજસ્વી તારલાઓ અને સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન
આ સેમિનારના ભાગરૂપે, દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12માં 70%થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 10 ના 10 જેટલા વિદ્યાર્થીઓ અને ધોરણ 12 ના 15 જેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, સમાજના વિવિધ ક્ષેત્રો જેવા કે રાજકીય ક્ષેત્ર, સામાજિક ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર અને વહીવટી વિભાગમાં પોતાની ફરજ નિભાવી રહેલા તેમજ સામાજિક ક્ષેત્રે લોકોને મદદ કરી રહેલા 71 જેટલા સમાજ શ્રેષ્ઠીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.











