આ વાતચીત દરમિયાન ટ્રમ્પે PM મોદીને કેનેડાથી સીધા અમેરિકા આવવાનું આમંત્રણ આપ્યું હતું, પરંતુ આગામી કાર્યક્રમો અને વ્યસ્તતાને કારણે PM મોદીએ અમેરિકાનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો.

નવી દિલ્હી, બુધવાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગ્રહ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ફોન પર લગભગ 35 મિનિટ લાંબી વાતચીત થઈ. આ વાતચીત ‘ઓપરેશન સિંદૂર’ બાદ સીઝફાયરને લઈને ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિ વચ્ચે બંને નેતાઓ વચ્ચેની પહેલી સીધી વાતચીત હતી.
વાતચીતના મુખ્ય મુદ્દાઓ
વિદેશ સચિવ મિસરીએ જણાવ્યું કે, PM મોદીએ આતંકવાદ પર ભારતનો સ્પષ્ટ પક્ષ રજૂ કર્યો. બંને નેતાઓ વચ્ચે ભારત-પાકિસ્તાન વચ્ચે પહેલગામ આતંકી હુમલા બાદ સર્જાયેલા તણાવ પર પણ ચર્ચા થઈ. મિસરીએ વધુમાં જણાવ્યું કે, આતંકવાદ વિરુદ્ધ ભારતનું ‘ઓપરેશન સિંદૂર’ ચાલુ છે અને આ મુદ્દે પણ PM મોદીએ ટ્રમ્પ સાથે વાત કરી. આ ઉપરાંત, બંને નેતાઓ વચ્ચે ઇઝરાયલ-ઈરાન તણાવ પર પણ ડિસ્કશન થયું. મિસરીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારતે કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી અને અમેરિકા સાથે સીઝફાયર પર કોઈ વાત થઈ નથી.
#WATCH | Foreign Secretary Vikram Misri says, “PM Modi told President Trump clearly that during this entire series of incidents, never were talks held at any level on India-America trade deal and mediation between India and Pakistan by America. The talks regarding cessation of… pic.twitter.com/C0yoPGHC2j
— ANI (@ANI) June 18, 2025
પાકિસ્તાનની વિનંતી પર સીઝફાયર
વિક્રમ મિસરીએ સ્પષ્ટતા કરી કે, વાતચીત દરમિયાન PM મોદીએ જણાવ્યું કે, ‘ઓપરેશન સિંદૂર’ સંબંધિત કોઈ પણ વિષયમાં ટ્રેડ સંબંધિત કોઈ ચર્ચા થઈ નથી. તેમણે ફરીથી જણાવ્યું કે, પાકિસ્તાનની વિનંતી પર જ ભારતે સીઝફાયર કર્યું હતું. ભારતે ક્યારેય કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારી નથી અને ભવિષ્યમાં પણ નહીં સ્વીકારે. સાથે જ, PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, હવે ભારત આતંકવાદની ઘટનાઓને પ્રોક્સી વોર નહીં, પરંતુ સીધી યુદ્ધની કાર્યવાહી તરીકે જોશે.
G-7 સમિટમાં મુલાકાત કેમ ન થઈ શકી?
અગાઉ PM મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત કેનેડામાં G-7 સમિટ દરમિયાન થવાની હતી, પરંતુ ટ્રમ્પને 17 જૂને G-7 સમિટ છોડીને અમેરિકા પાછા ફરવું પડ્યું. ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે તેમને અચાનક એક દિવસ પહેલા જ પાછા ફરવું પડ્યું હતું. આ કારણે આ મુલાકાત શક્ય બની ન હતી. ત્યારબાદ, ટ્રમ્પના આગ્રહ પર બંને નેતાઓ વચ્ચે ફોન પર આ વાતચીત થઈ, જે લગભગ 35 મિનિટ ચાલી.











