વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓ ઓક્ટોબર 2024માં મુઈઝ્ઝુની ભારત યાત્રા દરમિયાન નક્કી કરાયેલી વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી ને આગળ વધારવા પર પણ ચર્ચા કરશે અને અત્યાર સુધી આ દિશામાં શું પ્રગતિ થઈ છે તે પણ જોશે. માનવામાં આવે છે કે તેમની આ યાત્રા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુની નીતિઓથી ઠંડા પડેલા ભારત-માલદીવ સંબંધોમાં ફરીથી ગરમાવો લાવી શકે છે.

નવી દિલ્હી, સોમવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે બ્રિટન અને માલદીવના મહત્વપૂર્ણ પ્રવાસે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો અને ખાસ કરીને ભારત-બ્રિટન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવાનો છે. આ ડીલથી 2030 સુધીમાં ભારત-બ્રિટનનો દ્વિપક્ષીય વેપાર હાલના આશરે 60 બિલિયન ડોલરથી બમણો થવાની અપેક્ષા છે.
બ્રિટન સાથેની ઐતિહાસિક વેપાર સમજૂતી
વડાપ્રધાન મોદી 23 અને 24 જુલાઈના રોજ બ્રિટનમાં રહેશે. આ દરમિયાન તેઓ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરના આમંત્રણ પર તેમની ચોથી યાત્રા પર જઈ રહ્યા છે. બંને નેતાઓ ભારત-બ્રિટન સંબંધો અને પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરશે.
FTA: ભારત અને બ્રિટન માટે વિન-વિન સિચ્યુએશન
મળતી માહિતી મુજબ, ભારત અને બ્રિટન વચ્ચે તૈયાર થયેલા વેપાર કરાર, જેને મે મહિનામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું, તેના પર વડાપ્રધાન મોદીની આ યાત્રા દરમિયાન સત્તાવાર રીતે હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ FTAથી ભારતના ટેક્સટાઈલ, લેધર અને એન્જિનિયરિંગ ગુડ્સ ની નિકાસને મોટો વેગ મળશે.
બીજી તરફ બ્રિટનથી આયાત થતી વ્હિસ્કી, કાર અને મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પર લાગતા ટેક્સમાં ઘટાડો થશે. મે મહિનાથી જ બંને દેશો આ કરારને કાયદેસર બનાવવા માટે કામ કરી રહ્યા છે.
2030 સુધીમાં 120 બિલિયન ડોલરનો બિઝનેસ!
આ કરારથી 2030 સુધીમાં ભારત-બ્રિટનનો દ્વિપક્ષીય વેપાર આશરે 60 બિલિયન ડોલરથી બમણો થઈ શકે છે. આ સમજૂતીની એક ખાસ વાત એ પણ છે કે ભારતીય કામદારોને બ્રિટનમાં કામ કરવા પર ત્રણ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રીબ્યુશન આપવું પડશે નહીં, જેનાથી એમ્પ્લોયર્સને રાહત મળશે.
આ કરાર હેઠળ, ભારતને તેની 99% ટેરિફ લાઈન પર ટેક્સ હટાવવાની સુવિધા મળશે, જેનાથી લગભગ આખો વેપાર કવર થઈ જશે. જ્યારે, બ્રિટનને પણ 90% ટેરિફ લાઈન પર ટેક્સમાં છૂટ મળશે. આનાથી ભારતના વસ્ત્ર અને પરિધાન જેવા લેબર સેક્ટર ને બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોની તુલનામાં મોટો ફાયદો થશે. ભારતને લેધર, ફૂટવેર, જ્વેલરી, દવાઓ, કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ જેવા ક્ષેત્રોમાં પણ સમાન લાભ થશે.
માલદીવનો પ્રવાસ પણ ખાસ
વડાપ્રધાન મોદી 25 અને 26 જુલાઈના રોજ માલદીવની મુલાકાત લેશે. તેઓ 26 જુલાઈએ માલદીવની આઝાદીની 60મી વર્ષગાંઠ ના સમારોહમાં મુખ્ય અતિથિ હશે. આ દરમિયાન તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ સાથે મુલાકાત કરશે અને બંને દેશોના પરસ્પર હિત સંબંધિત મુદ્દાઓ પર વાતચીત કરશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બંને નેતાઓ ઓક્ટોબર 2024માં મુઈઝ્ઝુની ભારત યાત્રા દરમિયાન નક્કી કરાયેલી વ્યાપક આર્થિક અને દરિયાઈ સુરક્ષા ભાગીદારી ને આગળ વધારવા પર પણ ચર્ચા કરશે અને અત્યાર સુધી આ દિશામાં શું પ્રગતિ થઈ છે તે પણ જોશે. માનવામાં આવે છે કે તેમની આ યાત્રા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુની નીતિઓથી ઠંડા પડેલા ભારત-માલદીવ સંબંધોમાં ફરીથી ગરમાવો લાવી શકે છે.











