પીએમ સૂર્ય ઘર યોજના: ગુજરાત સરકારની મોટી સબસિડી

ગુજરાત સરકારે પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે નવી સબસિડી જાહેર કરી છે. હવે 2 કિલોવોટ સુધીની પેનલ માટે માત્ર 10% અને 5% રકમ જ ચૂકવવી પડશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ‘પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગ માટે મોટી આર્થિક રાહત જાહેર કરવામાં આવી છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યા અનુસાર, હવે મહત્તમ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે રાજ્ય સરકારે 2 કિલોવોટ સુધીની સોલાર રૂફટોપ સિસ્ટમ પર વધારાની સ્ટેટ સબસિડી આપવાનો નિર્ણય લીધો છે.

લાભાર્થીનો ફાળો ઘટ્યો
આ નવી જાહેરાત મુજબ, 1 થી 2 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવા માટે સામાન્ય વીજ ગ્રાહકોએ કુલ ખર્ચના માત્ર 10 ટકા રકમ જ ભોગવવાની રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના ગ્રાહકો માટે આ ફાળો ઘટીને માત્ર 5 ટકા કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રની સહાય બાદનો બાકીનો તમામ ખર્ચ રાજ્ય સરકાર સબસિડી સ્વરૂપે ચૂકવશે.

કેટલો ખર્ચ થશે?
જો 1 કિલોવોટની પેનલ લગાવવી હોય તો કુલ ખર્ચ 54,000 રૂપિયા થાય છે. નવી સબસિડી બાદ સામાન્ય નાગરિકે માત્ર 5,400 રૂપિયા અને SC/ST વર્ગે 2,700 રૂપિયા જ ચૂકવવાના રહેશે. તેવી જ રીતે, 2 કિલોવોટ પેનલનો કુલ ખર્ચ 1,07,200 રૂપિયા થાય છે, જેમાં સામાન્ય વર્ગે 10,720 રૂપિયા અને SC/ST વર્ગે માત્ર 5,360 રૂપિયા આપવાના રહેશે.

સરકારની સહાય અને ફાયદો
રાજ્ય સરકાર આ સબસિડી પાછળ અંદાજે 1,000 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ ઉઠાવશે. આ નિર્ણયથી ગુજરાતના 3 લાખથી વધુ સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકશે.

ગુજરાત દેશમાં પ્રથમ
પીએમ સૂર્ય ઘર યોજનાને સાકાર કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે. અત્યાર સુધીમાં 14 લાખથી વધુ પરિવારોએ ઘરની છત પર સોલાર સિસ્ટમ લગાવી છે. તેમાંથી 8.5 લાખ ઘરો માત્ર આ યોજના હેઠળ આવરી લેવાયા છે, જેનાથી નાગરિકોના વીજ બિલ શૂન્ય થયા છે અને વધારાની વીજળી વેચીને તેઓ આવક પણ રળી રહ્યા છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!