દહેગામ પોલીસે બાતમીના આધારે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને 15 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. હરસોલી ચોકડીથી ભાગેલા યુપીના બુટલેગરને પોલીસે કેવી રીતે દબોચી લીધો? જાણો સમગ્ર ઘટના વિગતે.

દહેગામ, સોમવાર
દહેગામમાં પોલીસ અને બુટલેગર વચ્ચે ચોર-પોલીસના ખેલ જેવો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. દહેગામ પોલીસે એક મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે જીવના જોખમે બુટલેગરનો પીછો કર્યો હતો અને 20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બાતમી અને વોચ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ગાંધીનગર રેન્જ આઈજી અને એસપીની સુચનાથી દારૂ-જુગારની પ્રવૃત્તિ ડામવા માટે દહેગામ પોલીસ એક્ટિવ હતી. આ દરમિયાન દહેગામ પોલીસ ઈન્સ્પેક્ટર એમ.એન. દેસાઈ અને તેમની ટીમને એક પાક્કી બાતમી મળી હતી. બાતમી એવી હતી કે એક સફેદ કલરની બંધ બોડીની મારુતિ સુઝુકી સુપર કેરી ગાડી દહેગામથી કપડવંજ તરફ જઈ રહી છે અને તેમાં મોટા પાયે વિદેશી દારૂ ભરેલો છે.
ફિલ્મી સ્ટાઈલમાં પીછો આ બાતમી મળતા જ પોલીસની ટીમ સતર્ક થઈ ગઈ હતી. પોલીસે દહેગામ નજીક આવેલી હરસોલી ચોકડી પર વોચ ગોઠવી હતી. જ્યારે બાતમી વાળી ગાડી ત્યાં આવી, ત્યારે પોલીસે તેને હાથનો ઈશારો કરીને રોકવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈને ગાડીના ડ્રાઈવરે વાહન ઉભું રાખવાને બદલે હાઈવે પર પૂરઝડપે ભગાડી મૂક્યું હતું.
પોલીસે પણ હાર માન્યા વગર તુરંત જ સરકારી અને ખાનગી વાહનોમાં તે ગાડીનો પીછો શરૂ કર્યો હતો. થોડે દૂર ગયા બાદ હરખજીના મુવાડા ગામ પાસે, મહાવીર ફાર્મની સામે પોલીસે વાહનોની આડશ ઉભી કરીને બુટલેગરની ગાડીને કોર્ડન કરી લીધી હતી. રસ્તો બંધ જોઈને ડ્રાઈવર ગાડી મૂકીને ભાગવા ગયો, પરંતુ પોલીસ જવાનોએ તેને ત્યાં જ દબોચી લીધો હતો.
પકડાયેલ આરોપી અને મુદ્દામાલ પોલીસે પકડેલા આરોપીની પૂછપરછ કરતા તેનું નામ દિગંબરસિંહ ઉર્ફે ભુરો જહાનસિંગ જાટ હોવાનું જાણવા મળ્યું હતું, જે મૂળ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાનો રહેવાસી છે. જ્યારે પોલીસે શંકાસ્પદ સુપર કેરી ગાડીનું ચેકિંગ કર્યું ત્યારે અંદરથી ચોંકાવનારો જથ્થો મળી આવ્યો હતો,, અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 પેટીઓ કુલ 3744 બોટલ મળી આવી હતી, જેની કિંમત 15,00,000 રૂપિયા થાય છે. દારૂની હેરાફેરીમાં વપરાયેલી સુપર કેરી ગાડીની કિંમત 5,00,000 રૂપિયા છે. આરોપી પાસેથી એક મોબાઈલ અને રોકડ રકમ 520 રૂપિયા પણ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 20,05,520 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટીમની કામગીરી આ સફળ કામગીરી દહેગામ પોલીસ સ્ટેશનના PI શ્રી એમ.એન. દેસાઈ, PSI શ્રી એમ.એફ. ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના ASI ઘનશ્યામસિંહ, હેડ કોન્સ્ટેબલ મોહનભાઈ, કેતનકુમાર, સચિનકુમાર તથા કોન્સ્ટેબલ સોહીલસિંહ, અનિલભાઈ, વેશીભાઈ, પ્રકાશકુમાર અને પિયુષકુમાર દ્વારા કરવામાં આવી છે.











