દહેગામના ક઼ડજોદરામાં પ્રદૂષણનો રાફડો, ક્રૂડ ઓઇલ કંપની સામે ગ્રામજનોનો મોરચો

15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ક઼ડજોદરા ગામમાં આવેલી એક ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ કંપની સામે ગ્રામજનોએ સખત વિરોધ નોંધાવ્યો છે. કંપની દ્વારા છોડવામાં આવતી પ્રદૂષિત હવા અને દુર્ગંધથી આસપાસના 12 થી વધુ ગામો અને પરાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ પ્રદૂષણને કારણે લોકોને માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ થઈ રહી છે, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની હાલત વધુ કફોડી બની છે.

વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી નહીં
ગ્રામજનોએ આ મુદ્દે અગાઉ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, સરપંચ અરવિંદસિંહ ઝાલા અને અન્ય સ્થાનિક આગેવાનોને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી. ત્યારે 15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. જોકે, આ રજૂઆતો છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતાં ગ્રામજનોનો રોષ વધુ ભડક્યો છે.

ગ્રામજનો લડી લેવાના મૂડમાં
સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા ગુસ્સે ભરાયેલા ગ્રામજનો ફેક્ટરી પર પહોંચી ગયા હતા. તેમણે કંપનીના માલિકને તાત્કાલિક પ્રદૂષિત હવા છોડવાનું બંધ કરવાની તાકીદ કરી હતી. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો તેઓ એક મોટું જન આંદોલન ચલાવશે. આસપાસના ગામોના લોકોનો સ્પષ્ટ મૂડ હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાનો છે.

કંપનીનો પક્ષ: ‘અમારી પાસે તમામ NOC અને પ્રમાણપત્રો છે’
જ્યારે આ મામલે ફેક્ટરીના માલિકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તેમની કંપની ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં આવેલી છે અને તેમની પાસે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિતના તમામ જરૂરી NOC અને પ્રમાણપત્રો છે. તેમણે દાવો કર્યો કે તેમની ફેક્ટરીમાં કોઈપણ ગેરકાયદેસર ઉત્પાદન થતું નથી. વધુમાં તેમણે જણાવ્યું કે લોકોની મુશ્કેલી ઓછી કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

એક તરફ ગ્રામજનો પ્રદૂષણથી ત્રસ્ત છે અને લડી લેવાના મૂડમાં છે, જ્યારે બીજી તરફ કંપની પાસે તમામ કાયદાકીય મંજૂરીઓ હોવાનો દાવો છે. હવે જોવું એ રહ્યું કે આ ગંભીર સમસ્યાનો અંત ક્યારે અને કેવી રીતે આવે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!