રાજકોટ: ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ નો નિયમ લાગુ, ગુજરાતનું પ્રથમ શહેર બન્યું

રાજકોટમાં વાહન પર નંબર પ્લેટ વગર કે ચેડાં કરીને ફરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહીના ભાગરૂપે ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’નો નિયમ લાગુ કરાયો છે, જેની અમલવારી ૧૭ ઓગસ્ટથી ૬૦ દિવસ સુધી રહેશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભુસી નાખી કે ચેડાં કરીને વાહન ચલાવવાની વધતી જતી પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર દ્વારા ‘નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં’ના સૂત્ર સાથે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં આ પ્રકારનો નવતર અને કડક નિર્ણય લેનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે.

આ હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહનમાં ઈંધણ (પેટ્રોલ/ડીઝલ/સીએનજી) પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ જાહેરનામું આગામી તારીખ ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી એટલે કે કુલ ૬૦ દિવસ માટે અમલમાં રહેશે.

પોલીસ કમિશનરે આ કારણોસર લગાવ્યો પ્રતિબંધ

  • ઈ-ચલણથી બચવાની યુક્તિઓ પર રોક:
    પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે કેટલાક વાહનચાલકો સીસીટીવી કેમેરાથી મળતા ઈ-ચલણ (E-Challan) થી બચવા માટે જાણી જોઈને નંબર પ્લેટ કાઢી નાખે છે અથવા તેની સાથે ચેડાં કરે છે. આનાથી બેફામ અને ગફલતભર્યું ડ્રાઇવિંગ તેમજ ટ્રાફિક સિગ્નલ ભંગ કરવાના બનાવોને પ્રોત્સાહન મળે છે.

  • રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતી સામે જોખમ:
    એચએસઆરપી (HSRP) રજીસ્ટ્રેશન નંબર વિનાના વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી તથા રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. ઓળખ વગરના આવા વાહનોનો ઉપયોગ અવારનવાર હીટ એન્ડ રન અકસ્માતો, ચેઇન સ્નેચિંગ, લૂંટ, ધાડ અને અન્ય ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા માટે થતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!