RBIએ બેંકો માટે CRRનો દૈનિક નિયમ 90 ટકાથી વધારીને 99 ટકા કર્યો છે. જાણો બેંકિંગ સિસ્ટમમાં રોકડ વ્યવસ્થાપન માટે લાગુ થયેલા આ નવા નિયમની સામાન્ય ગ્રાહકો અને લોન પર શું અસર પડશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંકિંગ ક્ષેત્ર માટે રોકડ અનામત રાખવાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જે 16 ઓક્ટોબરથી અમલમાં આવી ચૂક્યા છે. નવા નિયમ અનુસાર, હવે તમામ બેંકોએ તેમના નિયત કેશ રિઝર્વ રેશિયો (CRR) ના ઓછામાં ઓછા 99 ટકા જેટલી રકમ પ્રતિદિન RBI પાસે જમા રાખવી પડશે. અગાઉ આ દૈનિક મર્યાદા 90 ટકા હતી. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકિંગ સિસ્ટમમાં રહેલી વધારાની રોકડ (લિક્વિડિટી) પર યોગ્ય નિયંત્રણ મેળવવાનો છે. જોકે, આરબીઆઈએ સીઆરઆરના મૂળ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
બેંકો માટે દૈનિક કેશ મેનેજમેન્ટ બનશે પડકારજનક
અત્યાર સુધી બેંકોને 15 દિવસના સમયગાળા દરમિયાન રોકડ સરભર કરવાની ઘણી છૂટછાટ મળતી હતી, જેમાં તેઓ કોઈ એક દિવસે 90 ટકા જાળવીને બાકીના દિવસોમાં વધુ રકમ મૂકી સરેરાશ બેલેન્સ પૂરું કરી લેતી હતી. હવે આ છૂટ ઘટી ગઈ હોવાથી બેંકોએ દરરોજના ફંડ મેનેજમેન્ટ પર વધુ સતર્ક રહેવું પડશે. અચાનક ઉપાડ કે રોકડની વધઘટ વખતે બેંકો પાસે રહેલી દૈનિક સરપ્લસ લિક્વિડિટી મર્યાદિત બનશે, જેથી તેમની ફંડિંગ ખર્ચ અને ધિરાણ આપવાની ક્ષમતા પર થોડી અસર થઈ શકે છે.
સામાન્ય ગ્રાહકોના ખાતા પર શું અસર થશે?
આ નિયમથી સામાન્ય ગ્રાહકોના બચત કે ચાલુ ખાતામાં જમા પૈસા પર કોઈ જ સીધો પ્રભાવ પડશે નહીં. રિઝર્વ બેંકે ગ્રાહકોના ખાતામાંથી કોઈ ચાર્જ કાપવાનો કે નવો બોજ નાખવાનો નિયમ બનાવ્યો નથી. જોકે, આગામી સમયમાં બેંકો માટે રોકડની ઉપલબ્ધતા અને ખર્ચની સ્થિતિ બદલાતા, લોન અને વ્યાજ દરો અંગે બેંકો પોતાની આંતરિક સ્થિતિ અને બજારના પ્રવાહો મુજબ યોગ્ય નિર્ણયો લઈ શકે છે.










