રશિયાના સાઇબિરીયામાં લેબ કર્મચારીના મોતથી ખળભળાટ, અજ્ઞાત કારણથી મોત બાદ તપાસ તેજ

રશિયાના સાઇબિરીયામાં એન્ટી-પ્લેગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની 28 વર્ષીય મહિલા કર્મચારીનું અજ્ઞાત કારણની ન્યુમોનિયાથી મોત થયું છે. ઘટનાને પગલે લગભગ 200 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જોકે રશિયન આરોગ્ય તંત્રએ પ્લેગ કે નવા વાયરસના ફેલાવાની પુષ્ટિ કરી નથી.

રશિયાના સાઇબિરીયા વિસ્તારમાં 28 વર્ષીય મહિલા લેબ કર્મચારીના મોત બાદ ચિંતા વધી છે. ઈરકુત્સ્ક નજીકના શેલેખોવમાં આવેલી એન્ટી-પ્લેગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલી મહિલા ગંભીર ન્યુમોનિયાથી પીડાયા બાદ મૃત્યુ પામી હતી. આ ઘટનાને પગલે સંભવિત ખતરનાક ચેપને લઈને આરોગ્ય તંત્ર દ્વારા તપાસ અને સાવચેતીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. જોકે, રશિયન આરોગ્ય સત્તાવાળાઓએ હજુ સુધી પ્લેગ અથવા કોઈ નવા અજ્ઞાત વાયરસના ચેપની પુષ્ટિ કરી નથી.

28 વર્ષીય મહિલા કર્મચારીનું મોત

મળતી માહિતી મુજબ, 28 વર્ષીય દર્યા શિપિલોવા શેલેખોવ સ્થિત ઈરકુત્સ્ક એન્ટી-પ્લેગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતી હતી. ગંભીર ન્યુમોનિયાના લક્ષણો બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની સ્થિતિ બગડતાં વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

લેબમાં અકસ્માતની ચર્ચા

કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે કામ દરમિયાન મહિલા સંશોધક પાસેથી જીવંત બેક્ટેરિયા ધરાવતી ટેસ્ટ ટ્યુબ તૂટી ગઈ હતી. ત્યારબાદ તે બીમાર પડી હોવાની વાત સામે આવી છે. જોકે, આ ઘટનાને લઈને સત્તાવાર તપાસમાં ચેપનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પ્લેગના ફેલાવાની આશંકા, પરંતુ પુષ્ટિ નહીં

મહિલાના મોત બાદ કેટલાક અહેવાલોમાં ન્યુમોનિક પ્લેગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, રશિયાની આરોગ્ય દેખરેખ સંસ્થા રોસ્પોટ્રેબનાડઝોરે જણાવ્યું છે કે મૃતકના શરીરમાં તેની વ્યાવસાયિક કામગીરી સાથે સંકળાયેલા કોઈ સૂક્ષ્મજીવો મળ્યા નથી. મૃતકને “અજ્ઞાત કારણની ન્યુમોનિયા” હોવાનું જણાવાયું છે.

લગભગ 200 લોકો તબીબી દેખરેખ હેઠળ

ઘટના બાદ મૃતકના સંપર્કમાં આવેલા લગભગ 200 લોકોને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે. કેટલાક આરોગ્ય કેન્દ્રોમાં ક્વોરન્ટાઇન જેવા સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે. જોકે, સંપર્કમાં આવેલા લોકોમાં અત્યાર સુધી કોઈમાં ચેપના લક્ષણો જોવા મળ્યા નથી અને પરીક્ષણોના પરિણામો નેગેટિવ હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે.

રશિયન સત્તાવાળાઓએ કહ્યું- સ્થિતિ સ્થિર

રોસ્પોટ્રેબનાડઝોર અનુસાર ઈરકુત્સ્ક પ્રદેશ, ઈરકુત્સ્ક શહેર અને શેલેખોવમાં હાલની સેનિટરી-એપિડેમિયોલોજિકલ સ્થિતિ સ્થિર છે. સંસ્થામાં ખતરનાક પેથોજેન સાથે કામ દરમિયાન કોઈ અકસ્માત થયો હોવાની પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.

આ ઘટનાને કારણે સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા અહેવાલોમાં પ્લેગ અથવા નવા વાયરસના ફેલાવાને લઈને ચર્ચા વધી છે, પરંતુ હાલમાં ઉપલબ્ધ સત્તાવાર માહિતી પ્રમાણે નવા વાયરસ કે પ્લેગના ફેલાવાની પુષ્ટિ થઈ નથી. તપાસ ચાલુ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!