ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને જુલાઈ 2025 માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શ્રેષ્ઠ પુરુષ ખેલાડી પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે.

નવી દિલ્હી,બુધવાર: ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને જુલાઈ 2025 માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શ્રેષ્ઠ પુરુષ ખેલાડી પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ નામાંકન ગિલના ઉત્તમ નેતૃત્વ અને રેકોર્ડબ્રેક બેટિંગ પ્રદર્શનનો પુરાવો છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં, ગિલે 75.40 ની સરેરાશથી કુલ 754 રન બનાવ્યા, જેમાં ચાર સદી અને એક બેવડી સદીનો સમાવેશ થાય છે.
આ સમય દરમિયાન ગિલે સુનિલ ગાવસ્કરનો એક મોટો રેકોર્ડ પણ તોડ્યો. તેમણે ભારતીય કેપ્ટન દ્વારા ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. ગાવસ્કરે ૧૯૭૮માં ૭૩૨ રન બનાવ્યા હતા, જ્યારે ગિલે આ વખતે ૭૫૪ રન બનાવ્યા હતા.
ICC ની સત્તાવાર વેબસાઇટે લખ્યું, “શુભમન ગિલ માટે જુલાઈ મહિનો ખૂબ જ ખાસ રહ્યો. તેણે આ મહિને રમાયેલી ત્રણ ટેસ્ટમાં ૯૪.૫૦ ની સરેરાશથી ૫૬૭ રન બનાવ્યા.”
એજબેસ્ટન ટેસ્ટમાં તેનું પ્રદર્શન ખાસ કરીને ઐતિહાસિક હતું. આ મેચમાં, ગિલે પહેલી ઇનિંગમાં ૨૬૯ રન અને બીજી ઇનિંગમાં ૧૬૧ રનની શાનદાર ઇનિંગ રમી, જેનાથી તેનો કુલ સ્કોર ૪૩૦ રન પર પહોંચી ગયો. ગ્રેહામ ગુચના ૪૫૬ રન (૧૯૯૦, ભારત વિરુદ્ધ) પછી ટેસ્ટ મેચમાં આ બીજો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ICC એ એમ પણ કહ્યું કે ગિલ ચોથા નંબર પર રમીને “ઓલટાઇમ ગ્રેટ” વિરાટ કોહલીના વારસાને આગળ ધપાવી રહ્યો છે.










