કલોલના ચાંદીસણમાં SOGએ નશીલા પદાર્થોના રેકેટનો કર્યો પર્દાફાશ!

આરોપી જયેશકુમાર ઠક્કરના ઘરેથી કોડેઇન ફોસ્ફેટ અને ટ્રિપ્રોલિડિન કફ સિરપ ની 10 બોટલ મળી આવી હતી, જેનો ઉપયોગ નશા માટે થતો હતો.

ગાંધીનગર, મંગળવાર
ગાંધીનગર જિલ્લામાં નશાના દૂષણને જડમૂળથી ઉખેડી નાખવાના ચાલી રહેલા અભિયાન અંતર્ગત, સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)ને એક મોટી સફળતા મળી છે. SOG ટીમે કલોલના ચાંદીસણ ગામમાંથી જયેશકુમાર મનુભાઈ ઠક્કર નામના વ્યક્તિને નશીલા પદાર્થો વેચવાના આરોપસર ઝડપી પાડ્યો છે.

આ સનસનાટીભરી કાર્યવાહી ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. વાળા ની સૂચના મુજબ, હેડ કોન્સ્ટેબલ જગતસિંહ મગનસિંહ અને પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ દિલીપસિંહ ને મળેલી બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી.

આરોપી જયેશકુમાર ઠક્કરના ઘરેથી કોડેઇન ફોસ્ફેટ અને ટ્રિપ્રોલિડિન કફ સિરપ ની 10 બોટલ મળી આવી હતી, જેનો ઉપયોગ નશા માટે થતો હતો. આ ઉપરાંત, પોલીસને ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ ની વિવિધ બ્રાન્ડની ટેબ્લેટ્સ અને અલ્પ્રાઝોલમ ટેબ્લેટ્સ પણ મળી આવી હતી. પોલીસે કુલ 12,617ની કિંમતનો મુદ્દામાલ અને આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે.

આ મામલે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને સમાજને નશામુક્ત બનાવવાના પોલીસના સંકલ્પનો એક ભાગ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!