દહેગામના બહિયલમાં નવરાત્રી હિંસાનો માસ્ટરમાઈન્ડ શાહરૂખ ઉર્ફે SRK પોલીસ પકડમાં….આરોપીને સાથે રાખી પોલીસે કર્યું ક્રાઈમ સીનનું રી-કન્સ્ટ્રક્શન. હવે ગામની અંદરના દબાણો પર ફરશે બુલડોઝર, વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ.

દહેગામ, બુધવાર
થોડા સમય પહેલા ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રી પર્વ દરમિયાન થયેલા પથ્થરમારા અને હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી હતી. શાંતિ ડહોળવાના આ પ્રયાસમાં હવે પોલીસને મોટી સફળતા મળી છે. બહિયલના રમખાણોમાં ટોળાને ઉશ્કેરનાર અને આખા કાવતરાનો મુખ્ય સૂત્રધાર ગણાતો આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે.

કોણ છે મુખ્ય આરોપી?
પોલીસ તપાસમાં સામે આવેલા નામ મુજબ, આ હિંસા ભડકાવવા પાછળ શાહરૂખ ઉર્ફે SRKનો મુખ્ય હાથ હોવાનું મનાય છે. શાહરૂખ પર આરોપ છે કે, તેણે જ ટોળાને એકત્ર કરી નિર્દોષ લોકો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા. પોલીસે તેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન
ગામમાં પોલીસ છાવણી આજે વહેલી સવારે દહેગામ પોલીસ સ્ટેશનનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપી શાહરૂખને લઈને બહિયલ ગામે પહોંચ્યો હતો. પોલીસે આરોપી સાથે રાખીને ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. તે રાત્રે ચોક્કસ શું બન્યું હતું, પથ્થરમારો ક્યાંથી શરૂ થયો અને ટોળું કઈ રીતે આવ્યું, તેની તલસ્પર્શી વિગતો મેળવવા પોલીસે આરોપીને ઘટના સ્થળે ફેરવ્યો હતો. આ સમયે ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દબાણો પર ફરી વળશે બુલડોઝર રાઉન્ડ-2ની તૈયારી
ઉલ્લેખનીય છે કે, પથ્થરમારાની ઘટના બાદ તંત્ર તુરંત જ એક્શન મોડમાં આવી ગયું હતું અને બહિયલના મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દબાણ હટાવ ઝુંબેશનો બીજો રાઉન્ડ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે.

પ્રથમ તબક્કામાં મેઈન રોડ ક્લિયર કર્યા બાદ, હવે તંત્રની નજર ગામની અંદરના દબાણો પર છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે.











