કલોલ: ‘ઘરનો ભેદી લંકા બાળે’ જેવો ઘાટ! મિલમાંથી 2.52 લાખની ચોરી કરનાર કર્મચારી CCTVમાં કેદ, પોલીસ ફરિયાદ નોંધાઈ

કલોલના સઈજ GIDCમાં આવેલી ફેક્ટરીમાં કર્મચારીએ જ માલિક સાથે કર્યો વિશ્વાસઘાત. 2.52 લાખના પિત્તળના પાર્ટ્સની ચોરી CCTVમાં ઝડપાઈ. જાણો કેવી રીતે પકડાયો આરોપી.

ગાંધીનગર, ગુરૂવાર
કલોલ પંથકમાં ‘વાડ જ ચીભડાં ગળે’ તેવી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે માલિક પોતાના કર્મચારીઓ પર ભરોસો મૂકીને ધંધો ચલાવતા હોય છે, પરંતુ જ્યારે કર્મચારી જ ચોર નીકળે ત્યારે માલિકને મોટો આઘાત લાગે છે. કલોલના સઈજ GIDC વિસ્તારમાં આવેલી સ્ટીલોય રોલિંગ મિલ્સમાં આવી જ એક ઘટના બની છે, જ્યાં કંપનીના કર્મચારીએ લાખો રૂપિયાના મશીનરી પાર્ટ્સની ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે.

ઘટનાની વિગત
કલોલના સઈજ GIDCમાં આવેલી સ્ટીલોય રોલિંગ મિલ્સના માલિક રીતેશભાઈ રજનીકાંત શાહે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, ગત 26 ડિસેમ્બરના રોજ તેઓ રૂટીન કામ અર્થે ફેક્ટરીએ આવ્યા હતા. પરંતુ બીજા દિવસે સવારે જ્યારે તેઓ ઓફિસ પહોંચ્યા, ત્યારે તેમને મશીનરીમાં વપરાતા કિંમતી ગનમેટલના પિત્તળના પાર્ટ્સ ગાયબ જણાયા હતા. આ અચાનક થયેલી ચોરીને કારણે રીતેશભાઈ ચોંકી ગયા હતા. પ્રાથમિક તપાસ કરતાં માલુમ પડ્યું કે, આશરે 24 કિલો પિત્તળના પાર્ટ્સ અને 25 કિલો બેરિંગની જાળીઓ સહિત કુલ 2,52,500 નો મુદ્દામાલ ચોરાયો હતો.

CCTVમાં ભાંડો ફૂટ્યો
ચોરી બહારની વ્યક્તિએ કરી છે કે અંદરની, તે જાણવા માટે રીતેશભાઈએ મેનેજરની હાજરીમાં ફેક્ટરીના CCTV ફૂટેજ તપાસ્યા હતા. ફૂટેજ જોતાં જ ચોરીનું રહસ્ય ખુલી ગયું હતું. કંપનીમાં જ કામ કરતો મર્મક રાજકુમાર પટેલ (રહે. મથુરીયા સોસાયટી, કલોલ) રાત્રે આશરે 9 વાગ્યાના સુમારે સામાન ચોરી કરીને લઈ જતો સ્પષ્ટ નજરે પડ્યો હતો. નોકરી છોડીને આરોપી ફરાર જ્યારે માલિકે મર્મકને આ બાબતે પૂછપરછ કરી, ત્યારે તેણે ગોળગોળ જવાબો આપ્યા હતા અને સંતોષકારક ખુલાસો કરી શક્યો ન હતો. પોલ પકડાઈ જવાની બીકે તે તાત્કાલિક નોકરી છોડીને ભાગી ગયો હતો. તે પોતાના ઘરે પણ જતો ન હતો અને પોલીસથી બચવા નાસતો ફરતો હતો.

આરોપી ક્યાંથી પકડાયો?
રીતેશભાઈએ હિંમત હાર્યા વગર પોતાની રીતે તપાસ ચાલુ રાખી હતી. દરમિયાન તેમને બાતમી મળી હતી કે આરોપી મર્મક હાલ GIDCની સામે જ આવેલી ‘જે.પી. સ્ટીલ રોલિંગ મીલ’ માં નવી નોકરીએ લાગ્યો છે. આ માહિતી મળતાં જ તેમણે તાત્કાલિક કલોલ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો.

હાલમાં પોલીસે આરોપી મર્મક પટેલ વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ઉદ્યોગપતિઓ માટે લાલબત્તી સમાન છે કે કર્મચારીઓની ભરતી કરતી વખતે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!