ચોમાસામાં સર્જાતું આ અનોખું વાતાવરણ તેમના અનુભવમાં અનેકગણો વધારો કરે છે

નર્મદા, 03 જુલાઈ : નર્મદા જિલ્લામાં હાલ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાની મોસમ જામતાંની સાથે જ એકતાનગર, કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી વાદળોના ધુમ્મસભર્યા આવરણમાં ઢંકાઈને એક અદ્ભુત અને નયનરમ્ય નજારો પૂરો પાડી રહી છે, જેને જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ઉઠ્યા છે.
રાજ્યના દરેક ખૂણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સ્ટેચ્યુ ઑફ યુનિટીના ડ્રોનના જે દૃશ્યો સામે આવ્યા છે તે ખરેખર મંત્રમુગ્ધ કરી દે તેવા છે. વિશાળકાય પ્રતિમા આકાશમાંથી વરસતા ઝરમર વરસાદ અને રૂ જેવા સફેદ વાદળો વચ્ચે ઘેરાયેલી જોવા મળી રહી છે. નર્મદા નદીનો પ્રવાહ અને આ આહ્લાદક વાતાવરણનો સમન્વય સરદાર વલ્લભભાઈ પટેલની આ ભવ્ય પ્રતિમાને વધુ ભવ્ય અને પ્રભાવશાળી બનાવે છે. આ દૃશ્યો જોનારાના મનમાં એક અવિસ્મરણીય છાપ છોડી જાય છે.
સામાન્ય રીતે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઑફ યુનિટીની ભવ્યતા અને તેની આસપાસના પ્રોજેક્ટ્સ નિહાળવા આવે છે, પરંતુ ચોમાસામાં સર્જાતું આ અનોખું વાતાવરણ તેમના અનુભવમાં અનેકગણો વધારો કરે છે. વાદળોથી છવાયેલું આકાશ, લીલીછમ ટેકરીઓ અને શીતળ પવન એકતાનગરના આખા વાતાવરણને અદ્ભુત બનાવી દે છે.











