કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઓટો કંપનીઓને પેટ્રોલ-ડીઝલ વાહનો અંગે કડક સૂચના આપી છે. જાણો શું છે સરકારનો ‘ફ્યુચર પ્લાન’ અને નવી 5% સબસિડી વિશેની માહિતી.

નાગપુર, સોમવાર
મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઓટોમોબાઈલ કંપનીઓને મોટો ઝટકો આપતું નિવેદન આપ્યું છે. તેમણે પેટ્રોલ અને ડીઝલ પરની નિર્ભરતા ઘટાડવા માટે ઓટો કંપનીઓને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને વૈકલ્પિક ઈંધણને પ્રોત્સાહન આપવા માટે હવે આકરું વલણ અપનાવવાનો સમય આવી ગયો છે.
‘પેટ્રોલ-ડીઝલ બંધ કરો, બાકી દંડો વાગશે’
પોતાના અનોખા અંદાજમાં વાત કરતા નીતિન ગડકરીએ કહ્યું કે, “હું ટ્રાન્સપોર્ટ મંત્રી છું અને મેં હવે દંડા લગાવવાનું શરૂ કર્યું છે. જો તમે ડીઝલ અને પેટ્રોલથી ચાલતા વાહનો બંધ નહીં કરો, તો મારે મજબૂરીમાં ‘યૂરો 6’ (Euro 6) ના કડક ઈમિશન નોર્મ્સ લાગુ કરવા પડશે.”
તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે હવે ટ્રેક્ટર બનાવતી કંપનીઓએ પણ પરિવર્તન સ્વીકારી લીધું છે. કંપનીઓએ ‘ફ્લેક્સ એન્જિન’ ટેકનિક પર કામ શરૂ કરી દીધું છે. હવે બજારમાં એવા ટ્રેક્ટર તૈયાર છે જે 100 ટકા ઈથેનોલ અને CNG થી ચાલી શકે છે. આ ખેડૂતો અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક સાબિત થશે.
વૈકલ્પિક ઈંધણ અપનાવનારને મળશે આર્થિક મદદ
સરકાર માત્ર ચેતવણી જ નથી આપી રહી, પરંતુ નવી ટેકનોલોજી અપનાવનારાઓને મદદ પણ કરી રહી છે. ગડકરીએ સરકારના ‘ફ્યુચર પ્લાન’ વિશે વાત કરતા એક મોટી જાહેરાત કરી છે. આવનારા દિવસોમાં કન્સ્ટ્રકશન (બાંધકામ) માટેના સાધનો ખરીદવા જે લોકો ફાઈનાન્સ કરાવશે, તેમને સરકાર મદદ કરશે. જો કોઈ વ્યક્તિ અલ્ટરનેટિવ ફ્યુલ (વૈકલ્પિક ઈંધણ) કે બાયોફ્યુલથી ચાલતા મશીનો કે સાધનો પસંદ કરશે, તો તેમને વ્યાજમાં 5 ટકા સબસિડી આપવામાં આવશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય નવી અને ગ્રીન ટેકનોલોજીને વધુમાં વધુ પ્રમોટ કરવાનો છે.
હાઈડ્રોજનથી ચાલતા ટ્રક થયા લોન્ચ
દેશમાં ભવિષ્યના ઈંધણ તરીકે હાઈડ્રોજનને જોવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ માહિતી આપતા કહ્યું કે તાજેતરમાં જ 3 નવા ટ્રક લોન્ચ કરવામાં આવ્યા છે. આમાંથી બે ટ્રક એવા છે જેમાં પેટ્રોલ-ડીઝલ એન્જિનની સાથે હાઈડ્રોજન મિક્સ કરીને ઉપયોગમાં લેવાશે. જ્યારે એક ટ્રક એવો છે જે સંપૂર્ણ રીતે ‘હાઈડ્રોજન ફ્યુલ સેલ’ પર ચાલે છે.
આ ઉપરાંત, કન્સ્ટ્રકશન અને ખેતીવાડીમાં વપરાતા સાધનોમાં પણ આવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. નીતિન ગડકરીએ અંતમાં ભારપૂર્વક કહ્યું કે, ભારતનું ભવિષ્ય અલ્ટરનેટિવ ફ્યુલ અને બાયોફ્યુલ સાથે જોડાયેલું છે. આવનારા સમયમાં આ જ રસ્તો ભારતને પ્રગતિ તરફ લઈ જશે.











