અરવલ્લી વિવાદમાં સુપ્રીમ કોર્ટની એન્ટ્રી: શું બદલાશે પહાડોની વ્યાખ્યા? CJIની બેન્ચ સોમવારે કરશે મોટી સુનાવણી

અરવલ્લી ગિરિમાળાની નવી વ્યાખ્યાને લઈ વધતા વિવાદ વચ્ચે સુપ્રીમ કોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું છે. CJIની બેન્ચ સોમવારે સુનાવણી કરશે. જાણો શું છે સમગ્ર મામલો.

અરવલ્લી, સોમવાર
અરવલ્લી ગિરિમાળાના અસ્તિત્વને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. ગુજરાત, રાજસ્થાન અને હરિયાણામાં ફેલાયેલી આ પ્રાચીન પર્વતમાળાના સંરક્ષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે ‘સુઓમોટો’ (સ્વતઃ સંજ્ઞાન) લીધું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની સ્પેશિયલ વેકેશન બેન્ચ સોમવારે આ ગંભીર મુદ્દે સુનાવણી હાથ ધરશે.

કેમ શરૂ થયો સમગ્ર વિવાદ? આ વિવાદના મૂળમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની એક નવી ભલામણ છે. ગયા મહિને મંત્રાલયે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ ‘અરવલ્લી ગિરિમાળા’નો ભાગ ગણવામાં આવે. અગાઉ કોર્ટે આ વ્યાખ્યાને સ્વીકારી પણ લીધી હતી. જોકે, આ નિર્ણય બાદ પર્યાવરણવિદો અને સ્થાનિક લોકોમાં ફાળ પડી છે.

નાની ટેકરીઓ પર જોખમ અને જનતાનો રોષ નવી વ્યાખ્યા મુજબ, 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી હજારો ટેકરીઓ હવે ‘અરવલ્લી’ની સુરક્ષા મર્યાદામાંથી બહાર થઈ જશે. આના કારણે:

હજારો નાની ટેકરીઓ પર ગેરકાયદે ખાણકામ (Mining) વધવાનો ભય ઊભો થયો છે.
પર્યાવરણવિદોનું માનવું છે કે જો આ ટેકરીઓ સુરક્ષિત નહીં રહે, તો દિલ્હી-NCR અને આસપાસના વિસ્તારોમાં ધૂળના તોફાનોનું પ્રમાણ વધી જશે. રાજસ્થાન (જ્યાં 80% અરવલ્લી આવેલી છે), હરિયાણા અને દિલ્હીમાં નાગરિક સંગઠનો દ્વારા આ વ્યાખ્યાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

સરકાર અને કોર્ટનું અત્યાર સુધીનું વલણ લોકોનો ભારે રોષ જોઈને કેન્દ્ર સરકારે 24 ડિસેમ્બરે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો હતો, જેમાં જણાવાયું હતું કે અરવલ્લી વિસ્તારમાં હાલમાં કોઈ પણ નવા ખાણકામ પટ્ટા (Mining Lease) મંજૂર કરવામાં આવશે નહીં. હવે, સુપ્રીમ કોર્ટની બેન્ચ, જેમાં જસ્ટિસ જે. કે. મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ પણ સામેલ છે, તે નક્કી કરશે કે પર્યાવરણના હિતમાં શું પગલાં લેવા જોઈએ.

અરવલ્લી એ માત્ર પથ્થરોનો ઢગલો નથી પણ ઉત્તર ભારતની ઇકોસિસ્ટમ માટે રક્ષણ કવચ છે. સોમવારે થનારી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટ પર્વતોની નવી વ્યાખ્યા પર સ્ટે આપે છે કે કેન્દ્ર સરકારને કોઈ નવા નિર્દેશ આપે છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!