સુરતના રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાના આપઘાત કેસમાં એન્ટી રેગિંગ સ્કવોડે VNSGUને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં માનસિક ઉત્પીડન અને ભારે કામના ભારણની વાત સામે આવી છે.

સુરતમાં સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાના ચર્ચિત અપમૃત્યુ મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તૈયાર કરાયેલો આ મામલાનો અંતિમ અહેવાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ને સોંપવામાં આવ્યો છે, જેનાથી નવો વિવાદ સર્જાયો છે.
એન્ટી રેગિંગ સ્કવોર્ડના અહેવાલના મુખ્ય મુદ્દાઓ
-
મીટિંગ દરમિયાન અપમાન:
રિપોર્ટ અનુસાર, ૫મી તારીખે પ્રથમ અને દ્વિતીય વર્ષના રેસિડેન્ટ ડોક્ટરો (R1 અને R2) વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ડો. હર્ષ પોતાના વિભાગના મુદ્દાઓનું પ્રતિનિધત્વ કરી રહ્યા હતા, તે દરમિયાન સિનિયર ડોક્ટરો દ્વારા તેમને વારંવાર ઠપકો આપીને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યા હતા. એન્ટી રેગિંગ સ્કવોડે આ ઘટનાને ડો. હર્ષ દ્વારા ભરવામાં આવેલા અંતિમ પગલાં પાછળનું એક સંભવિત પ્રેરક કારણ ગણાવ્યું છે. -
ડીનનું નિવેદન અને રેગિંગની પુષ્ટિ:
VNSGUને મોકલેલા અહેવાલમાં ડીન દ્વારા નોંધવામાં આવ્યું છે કે ડો. હર્ષે અગાઉ કોઈ સત્તાવાર રેગિંગની ફરિયાદ કરી ન હતી, તેથી તેને સીધી રીતે રેગિંગ સાથે સાંકળી શકાય નહીં. જોકે, અહેવાલમાં એ સ્પષ્ટ સ્વીકારવામાં આવ્યું છે કે માઈક્રોબાયોલોજી વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે મૌખિક ગાળાગાળી અને માનસિક ઉત્પીડન થતું હોવાનું ફલિત થાય છે. -
માનસિક ત્રાસ અને કામનું ભારણ:
તપાસમાં બહાર આવ્યું છે કે જુનિયર ડોક્ટરો સાથે સિનિયર R2 ડોક્ટરો (ડો. દિશિતા, ડો. અનુજ, ડો. નિરાલી અને ડો. હિના) દ્વારા ખરાબ વ્યવહાર કરાતો હતો. આ અંગે ફેકલ્ટી સભ્યો (ડો. યોગિરા અને ડો. સંગીતા) સમક્ષ રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નહોતો. ઉપરાંત, જાહેર રજાઓ અને સપ્તાહના અંતે ટેક્નિશિયનોનો સહયોગ ન મળવાને કારણે જૂનિયરો પર કાર્યક્ષમતાથી વિશેષ કામનો બોજ નાખવામાં આવતો હતો.











