ગાંધીનગરમાં તસ્કરોનો આતંક: વાવોલ અને ગોકુળપુરામાં 17 ટ્રક-ટ્રેક્ટરની બેટરી ચોરાઈ, ટ્રાન્સપોર્ટરો પરેશાન

ગાંધીનગરના વાવોલ અને ગોકુળપુરામાં બેટરી ચોર ગેંગ સક્રિય થઈ છે. ટ્રાન્સપોર્ટરોની 17 ટ્રક અને ટ્રેક્ટરોમાંથી લાખોની બેટરી ચોરાઈ જતા સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. જાણો સમગ્ર ઘટના.

ગાંધીનગર, મંગળવાર
રાજધાની ગાંધીનગરમાં ફરી એકવાર વાહન ચોર અને સ્પેરપાર્ટ્સ ચોરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના વાવોલ અને ગોકુળપુરા જેવા વિસ્તારોમાં રાત્રિના અંધારાનો લાભ ઉઠાવીને તસ્કરોએ ભારે વાહનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા બે મહિનામાં એક જ પરિવારના 17 જેટલા વાહનોમાંથી બેટરીની ચોરી થતાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

એક જ પરિવારની 17 ટ્રક અને ટ્રેક્ટર નિશાન બન્યા
ગાંધીનગરના સેક્ટર-14 ગોકુળપુરા વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ભરવાડ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમની અને તેમના પરિવારની માલિકીની અંદાજે 30 જેટલી ટ્રકો છે, જે તેઓ વાવોલ અને ગોકુળપુરામાં અલગ-અલગ જગ્યાએ પાર્ક કરે છે. ફરિયાદ મુજબ, તસ્કરોએ ખાસ કરીને એમરોન કંપનીની બેટરીઓને ટાર્ગેટ કરી હતી.

રાત્રિના સમયે ચોરીનો સિલસિલો
આ ચોરીની ઘટનાઓ કોઈ એક જ રાતમાં નથી બની, પરંતુ છેલ્લા બે મહિનાથી આ સિલસિલો ચાલી રહ્યો હતો. પોલીસ ફરિયાદ મુજબ, તારીખ 11 નવેમ્બર 2025 થી લઈને 14 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન ચોરીની ઘટનાઓ બની હતી. ચોર ઈસમો રાતના સમયે સુમસામ કે નિર્જન જગ્યાએ પાર્ક કરેલી ટ્રકો અને ટ્રેક્ટરોને શોધી કાઢતા હતા. ક્યારેક એકસાથે ત્રણ ટ્રક તો ક્યારેક ટ્રેક્ટરોમાંથી બેટરી કાઢીને ફરાર થઈ જતા હતા.

વોચ રાખી તો પણ ચોર પકડાયા નહીં
પોતાના વાહનોમાંથી સતત બેટરી ચોરાતી હોવાથી ટ્રાન્સપોર્ટરો કંટાળી ગયા હતા. શરૂઆતમાં તેમણે પોતાની રીતે ચોરોને પકડવા માટે રાત્રે વોચ રાખવાનું પણ શરૂ કર્યું હતું, પરંતુ ચાલાક તસ્કરો હાથમાં આવ્યા ન હતા. અત્યાર સુધીમાં કુલ 17 બેટરીઓની ચોરી થઈ છે, જેની અંદાજિત કિંમત 85,000 રૂપિયા જેટલી થાય છે.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને પેટ્રોલીંગની માગ
આખરે કોઈ રસ્તો ન જડતા વિષ્ણુભાઈએ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ, વાવોલ અને ગોકુળપુરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે, જેથી આવા તત્વો પર કાબૂ મેળવી શકાય.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!