જય જગન્નાથ ! સાથે સ્વચ્છતાનો સંકલ્પ : અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ

આપણી રથયાત્રાનો સૌથી મોટો સામાજિક સંદેશ એટલે સ્વચ્છતાનો સંદેશ : કારણ કે, પહિંદ વિધિમાં રાજા ખુદ સાવરણીથી રસ્તો વાળે આ આપણી સદીઓ જૂની પરંપરા છે!

અમદાવાદમાં યોજાયેલી રથયાત્રામાં અપાયો સ્વચ્છતાનો સંદેશ

અમદાવાદ, શુક્રવાર : SGVP ગુરુકુળ દ્વારા છેલ્લા 18 વર્ષથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આયોજિત રથયાત્રા માત્ર ધાર્મિક ભક્તિનો ઉત્સવ નથી, પણ એક ઉદાત્ત સામાજિક સંદેશ પણ આપે છે – ‘સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે’. યાત્રા શરૂ થતા પહેલાં અને પછી ભક્તો રસ્તાની સફાઈ કરીને ઠાકોરજીની યાત્રાને પવિત્ર બનાવે છે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામિ અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામિના નેતૃત્વમાં આ યાત્રા વિવિધ મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને જોડે છે. આ અનોખી પરંપરા માત્ર કચરો સાફ કરતી નથી, પણ ભક્તિ, એકતા અને સંસ્કૃતિના મજબૂત ધાગા પણ ગૂંથે છે. રથયાત્રા નીકળતા પહેલા રસ્તા પર રાજા સંજવારી મારી યાત્રા માર્ગને સાફ કરે છે અને રથયાત્રા નીકળ્યા બાદ ભક્તો સંજવારી મારે ને રસ્તાને સાફ કરે છે. આવી અનોખી પરંપરા ક્યાંય જોઈ છે? ભક્ત કવિ નરસિંહ મહેતાની ઠાકોરજીને પધારવા વિનંતી કરતી રચના આપણે સૌએ સાંભળી અને ગાઈ હશે. પરંતુ ત્યારબાદ એ પાથરેલા ફૂલો ઠાકોરજીની ચરણ રજની પ્રસાદી છે અને એ રોડ પર એમજ ન પડી રહેવા દેવાય. આવો વિચાર SGVP ગુરુકુળના અધ્યક્ષ પૂજ્ય શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીને આવ્યો અને તેમણે પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સાથે તેનો અમલ કરાવ્યો.

આપણી રથયાત્રાનો સૌથી મોટો સામાજિક સંદેશ એટલે સ્વચ્છતાનો સંદેશ. કારણ કે, પહિંદ વિધિમાં રાજા ખુદ સાવરણીથી રસ્તો વાળે આ આપણી સદીઓ જૂની પરંપરા છે! આ સ્વચ્છતાનો માત્ર ઉપદેશ આપવાને બદલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગુરુકુળના હજારો યુવાનોના ‘સ્વચ્છતામાં જ પ્રભુનો વાસ છે’ એ સૂત્રને જીવન મંત્ર બનાવ્યો અને ભક્તોએ પોતાની કૃતિભક્તિથી એને ચરિતાર્થ કરી બતાવ્યો.આ અંગે બાલ સ્વામીએ જણાવ્યું કે, ‘રથયાત્રાની શરૂઆતમાં નગરનો રાજા હાથમાં સાવરણી લઈને ઠાકોરજીના યાત્રાના રસ્તાને સ્વચ્છ કરે એ પરંપરાનો ભાવ એવો જ છે કે ઠાકોરજીને સ્વછતા ગમે છે. તો પછી ભક્તોએ નગરયાત્રાએ નીકળેલા ઠાકોરજી ઉપર વરસાવે ફૂલોની પાંદડીઓના અભિષેકનો પ્રસાદ રોડ ઉપર પડ્યો રહે એ કેમ ચાલે?’

આ SGVPની 18મી રથયાત્રા છે અને પહેલી રથયાત્રાથી જ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા એક પરંપરા બનાવાઈ છે કે રથયાત્રા નીકળ્યા બાદ રસ્તા પર કચરો નહીં પણ ભક્તોના સમર્પણ અને સેવાભાવની સુવાસ વર્તાવી જોઈએ. તમે રથયાત્રામાં ગાતા, નાચતા અને ભાવવિભોર ભક્તોને જોયા હશે પણ કચરો વીણવાની સેવા કરતા ભક્તો જોવા હોય તો SGVP ગુરુકુળની પશ્ચિમ અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં જવું જોઈએ! ભગવાન જગન્નાથ જગતના જીવોને દર્શન આપવા નીકળે અને ભક્તોનો પ્રેમ ઝીલે છે અને અમદાવાદના રસ્તા પર શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપૂર આવે છે. જે આપણે વિશ્વના અનેક દેશો અને દેશના અનેક શહેરોમાં નીકળતી રથયાત્રામાં જોઈએ છીએ. આ અંગે માધવપ્રિયદાસજી સ્વામીને વિચાર આવ્યો કે, આ રથયાત્રા સનાતનના દરેક મત સંપ્રદાયને એક નેજા નીચે લાવવાનું માધ્યમ બનાવી શકાય. ત્યાર પછી છેલ્લા અઢાર વર્ષથી અમદાવાદના પશ્ચિમ વિસ્તાર નીકળતી આ રથયાત્રામાં પુરાણી બાલકૃષ્ણ દાસ સ્વામી દરેક મંદિરોને જોડતા ગયા. તેમાં હિન્દુ સમાજના ધાર્મિક તેમજ સામાજિક સંગઠનો પણ જોડાયા.

આ અંગે બાલ સ્વામી જણાવે છે કે ‘આપણા દેવ સ્થાનો, આપણા ઈષ્ટના જન્મ સ્થાનો ઉપર ઋષિ કશ્યપની ભૂમિ કાશ્મીર પર, આપણા આસ્થાના કેન્દ્રો પર જ્યારે અધર્મી લોકો સંગઠિત આક્રમણ કરી રહ્યા છે, આપણી ઉપાસના પદ્ધતિ પર પ્રહારો કરી રહ્યા છે, આપણી મહાન સંસ્કૃતિ પર જોખમ ઊભું કરી રહ્યા છે. ત્યારે સનાતનની સાત્વિક શક્તિઓને જોડવાનો સેતુ આ રથયાત્રા નીકળવી જોઈએ અને એનો જ નાનકડો પ્રયાસ અમારી ગુરુકુળે કર્યો છે.’ આ જ કારણસર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નીકળતી આ રથયાત્રાના માર્ગમાં આવતા હનુમાનજી મંદિર, શિવ મંદિર, સાઈ મંદિર, માનવ મંદિર જેવા સનાતનના ઉપાસના અને ઊર્જાના કેન્દ્રો આ રથયાત્રાના માધ્યમથી જોડાય છે. આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના જેવી સંસ્થાઓ તેમજ પટેલ, રબારી અને રાજપૂત સમાજ સહિતના સામાજિક સંગઠનો આ યાત્રામાં જોડાય છે. રથયાત્રા કેવળ ધાર્મિક ઉત્સવ ના રહેતા ભગવાન જગન્નાથ અને સનાતનમાં આસ્થા રાખતા લોકોને જોડતી મજબૂત સાંકળ બની રહી છે એવા નિરંતર પ્રયાસ ગુરુકુળ સંસ્થાન દ્વારા કરાઈ રહ્યા છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!