આ પ્રયાસોના ભાગરૂપે CCTV કમાન્ડ કંટ્રોલ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે, 27 જુલાઈ, 2025 ના રોજ ટીમે ગાંધીનગર શહેરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર જિલ્લામાં વધતી ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનેગારોને ઝડપી પાડવા માટે ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ LCB-1, ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળાને વિશેષ સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ અને પો.સબ.ઇન્સ. એમ.એસ. રાણાએ LCB ટીમ બનાવી ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે અસરકારક કામગીરી શરૂ કરી.
આ પ્રયાસોના ભાગરૂપે CCTV કમાન્ડ કંટ્રોલ અને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે, 27 જુલાઈ, 2025 ના રોજ ટીમે ગાંધીનગર શહેરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ હરિસિંહ, ચેતનસિંહ ભરતસિંહ, અને ઝિંકલબા બળવંતસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે પાંચ શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
ઝડપાયેલા આરોપીઓમાં જેકી રામચંદ મુલચંદાણી (ઉંમર 36), પરશોત્તમ ત્રિકમદાસ હરિયાણી (ઉંમર 42), ગીરીશ ઘનશ્યામદાસ લધાણી (ઉંમર 38), રોહિતભાઇ ભીખાભાઇ દંતાણી અને દેવીલાલ હાલુરામ ગુર્જર (ઉંમર 30)નો સમાવેશ થાય છે. આ આરોપીઓ પાસેથી ચોરીમાં વપરાયેલી 2 રિક્ષા અને 1 એક્ટિવા તેમજ 5 મોબાઈલ ફોન સહિત કુલ 2,07,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મુદ્દામાલમાં 80,000ની કિંમતની એક CNG રિક્ષા, બીજી CNG રિક્ષા 30,000 રૂપિયાની કિંમતનું એક એક્ટિવા અને 17,000ની કિંમતના 5 મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. LCB-1 ટીમે ચોરીમાં વપરાયેલા વાહનો અને આરોપીઓને ઝડપી પાડી, ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બંસરી એલિગન્સના બેઝમેન્ટમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કેસ વધુ તપાસ માટે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ ગુનો ભારતીય ન્યાય સંહિતા કલમ 303(2) મુજબ ડિટેક્ટ થયો છે.

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા, પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જે.ચૌહાણ, પો.સબ.ઇન્સ. એમ.એસ.રાણા, એ.એસ.આઇ કેતનકુમાર રમણલાલ, અ.હે.કો. સુનીલકુમાર મોહનભાઇ, આ.પો.કો. મનિષસિંહ બિપિનસિંહ, આ.પો.કો. દિગ્વિજયસિંહ હરિસિંહ, આ.પો.કો. ચેતનસિંહ ભરતસિંહ અને વુ.પો.કોન્સ ઝીંકલબા બળવંતસિંહનો સમાવેશ થાય છે.










