ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં કાર ખાબકતા ત્રણના મોત, સમગ્ર મામલે નોંધાઈ પોલીસ ફરિયાદ

ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નભોઈ કેનાલ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ફોર-વ્હીલ કાર નર્મદા કેનાલમાં ખાબકતા ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ ઘટના 01 જુલાઈ, 2025ના રોજ બની હતી અને મોડી રાત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીનગર, બુધવાર
પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના 01 જુલાઈ, 2025 ના રોજ નભોઈ ગામની સીમમાં આવેલી નર્મદા મુખ્ય કેનાલ ખાતે બની હતી. ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનથી આશરે 8 કિલોમીટર દૂર નભોઈ કેનાલ પાસે આ ઘટના બની હતી. મૃતકોમાં ઘનશ્યામભાઈ પુરુષોત્તમભાઈ રાવલના પુત્ર વેદાંત ઉંમર 17, પુત્રી ખુશાલી, ઉંમર 19 અને તેમના મિત્ર હર્ષ રજનિકાંતભાઈ બારોટ નો સમાવેશ થાય છે. આ ઘટનામાં ફોર-વ્હીલ ગાડી નંબર GJ-03-MR-4783નો ચાલક આરોપી છે.

ફરિયાદીની વિગત
ફરિયાદી ઘનશ્યામભાઈ પરષોત્તમભાઈ રાવલ ઉંમર 46, વ્યવસાયે છૂટક વેપારી, વૃંદાવન કોમ્પલેક્ષ, મહાવીર નગર, હિરાવાડી રોડ, બાપુનગર, અમદાવાદ શહેરના રહેવાસી છે. તેમણે પોલીસને જણાવ્યું કે તેમના બાળકોને ફોર-વ્હીલ ગાડી ચલાવતા આવડતું નહોતું.

01 જુલાઈ, 2025 ના રોજ બપોરે આશરે બે વાગ્યે વેદાંત અને ખુશાલી બ્યુટી પાર્લરના કામે જવાનું કહી રિક્ષામાં નીકળ્યા હતા. સાંજે સવા પાંચ વાગ્યે વેદાંતનો મિત્ર રૂત્વિક ફરિયાદીના ઘરે આવીને જાણ કરી કે એક ફોર-વ્હીલ ગાડી નભોઈ નર્મદા કેનાલમાં પડી છે અને તેમાં વેદાંત તથા ખુશાલી મૃત્યુ પામ્યા હોવાના ફોટા ગ્રુપમાં આવ્યા છે.

ફરિયાદી, તેમના નાના ભાઈ રાકેશભાઈ અને પડોશીઓ તાત્કાલિક ગાંધીનગર નભોઈ કેનાલ ખાતે સાંજે સવા છ વાગ્યે પહોંચ્યા હતા. ત્યાં તેમણે જોયું કે વેદાંત, ખુશાલી અને હર્ષ રજનિકાંતભાઈ બારોટના મૃતદેહો કેનાલમાંથી બહાર કાઢી રાખવામાં આવ્યા હતા. તેમને જાણવા મળ્યું કે GJ-03-MR-4783 નંબરની ફોર-વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે માનવ જિંદગી જોખમાય તેવી રીતે ચલાવી, સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી નર્મદા કેનાલના પાણીમાં પડી હતી, જેના કારણે ત્રણેય વ્યક્તિઓના મોત થયા હતા.

પોલીસ કાર્યવાહી
આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. ગુનાહિત કલમો અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 183, 184નો સમાવેશ થાય છે. આ કેસની તપાસ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર નેહાબેન નારાયણભાઈ ચૌધરીને સોંપવામાં આવી છે. આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!