કેન્દ્ર સરકારે વાહનચાલકો માટે નવા નિયમો જાહેર કર્યા છે. હવે જો તમારા વાહન પર FASTag કે ટોલ ટેક્સ બાકી હશે તો વાહન ટ્રાન્સફર અને ફિટનેસ સર્ટિફિકેટ જેવા કામો અટકી જશે. જાણો વિગતવાર માહિતી.

નવી દિલ્હી, બુધવાર
જો તમે હાઈવે પર વાહન લઈને નીકળો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે ટોલ ટેક્સની વસૂલાત અને નિયમોમાં કડક ફેરફાર કર્યા છે. ઘણીવાર જોવા મળે છે કે વાહનચાલકો ટોલ પ્લાઝા પરથી પસાર તો થઈ જાય છે, પરંતુ ટેકનિકલ ખામી કે અન્ય કારણોસર ટોલ કપાતો નથી. હવે સરકારે નક્કી કર્યું છે કે જો તમારા વાહન પર કોઈપણ પ્રકારનો ટોલ ટેક્સ બાકી હશે, તો તમને RTO અને પરિવહન વિભાગને લગતા મહત્વના કામો કરવામાં મુશ્કેલી પડશે.
કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સમાં સુધારો કરીને આ નવા નિયમો લાગુ કરી દીધા છે, જેનો મુખ્ય હેતુ ટોલ ચોરી રોકવાનો અને વસૂલાત પ્રક્રિયાને પારદર્શક બનાવવાનો છે.
કયા કામો અટકી જશે?
સરકારના નવા નિર્ણય મુજબ, જો તમારા વાહન પર ફાસ્ટેગ (FASTag) અથવા મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમ હેઠળ કોઈ ટોલ રકમ બાકી બોલતી હશે, તો નીચે મુજબના 3 મહત્વના કામો પર રોક લગાવી દેવામાં આવશે:
વાહન ટ્રાન્સફર : જો તમે તમારી જૂની કાર કે વાહન વેચવા માંગતા હોવ અથવા કોઈ બીજાના નામે ટ્રાન્સફર કરવા માંગતા હોવ, તો હવે તે સરળ નહીં રહે. જ્યાં સુધી જૂનો ટોલ ટેક્સ ભરપાઈ નહીં થાય ત્યાં સુધી ટ્રાન્સફર માટે જરૂરી NOC મળશે નહીં.
ફિટનેસ સર્ટિફિકેટ: વાહનની ફિટનેસ રિન્યુ કરાવતી વખતે પણ સિસ્ટમ ચેક કરશે કે કોઈ ટોલ બાકી છે કે નહીં. જો બાકી હશે તો ફિટનેસ સર્ટિફિકેટ રિન્યુ કરવામાં આવશે નહીં.
નેશનલ પરમિટ : કોમર્શિયલ વાહનો માટે નેશનલ પરમિટ મેળવવી ખૂબ જરૂરી હોય છે. નવા નિયમ મુજબ, ટોલ બાકી હશે તો પરમિટ પણ જારી કરવામાં આવશે નહીં.
NOC માટે હવે નિયમો બદલાયા
હવેથી જ્યારે પણ કોઈ વાહન માલિક NOC માટે અરજી કરશે, ત્યારે તેમણે એ સાબિત કરવું પડશે અથવા વિગત આપવી પડશે કે તેમના વાહન પર કોઈ પણ પ્રકારનો ટોલ ટેક્સ બાકી નથી. મહત્વનું છે કે, જો તમે કોઈ ટોલ નાકા પરથી પસાર થયા હોવ અને સિસ્ટમમાં તમારી ગાડીની એન્ટ્રી થઈ ગઈ હોય, પરંતુ પેમેન્ટ ન થયું હોય (પછી ભલે તે બેલેન્સના અભાવે હોય કે ટેકનિકલ ખામીને કારણે), તો તેને બાકી રકમ તરીકે જ ગણવામાં આવશે. આ રકમ ચૂકવ્યા પછી જ તમે RTO ને લગતી આગળની પ્રક્રિયા કરી શકશો.
સરકારનો ઉદ્દેશ્ય શું છે?
સરકાર આગામી સમયમાં દેશભરમાં બેરિયર-ફ્રી (નાકા વગરની) ટોલ સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહી છે. એટલે કે ગાડી ઉભી રાખ્યા વગર સીધો ટોલ કપાઈ જાય તેવી વ્યવસ્થા. આ ડિજિટલ સિસ્ટમને મજબૂત બનાવવા અને લોકો સમયસર ટોલ ભરે તે સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલાં લેવામાં આવ્યા છે. તેથી વાહનચાલકોને સલાહ છે કે સમયાંતરે તમારું FASTag એકાઉન્ટ ચેક કરતા રહો અને જો કોઈ જૂનો ટેક્સ બાકી હોય તો તેને તાત્કાલિક ભરી દો, જેથી ભવિષ્યમાં ગાડી વેચતી વખતે કે પેપરવર્ક કરતી વખતે કોઈ મુશ્કેલી ન પડે.











