મધ્ય ગુજરાતમાં મેઘો મુશળધાર: નર્મદા નદી ભયજનક સપાટીએ, ગામડાઓ જળબંબાકાર

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને ડેમમાંથી છોડાયેલા પાણીથી નર્મદા, મહીસાગર, કીમ, દેવ અને ઢાઢર નદીઓ ગાંડીતૂર બની. ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટી વટાવી, ગામડાઓ જળબંબાકાર. વધુ જાણો.

ગાંધીનગર, શુક્રવાર
મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ અને ઉપરવાસના ડેમમાંથી છોડાયેલા પાણીથી નદીઓ ગાંડીતૂર બની છે, જેના કારણે અનેક ગામડાઓ જળબંબાકાર થયા છે. નર્મદા, મહીસાગર, કીમ, દેવ અને ઢાઢર નદીઓના પાણી ગામો અને ખેતરોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચમાં નર્મદા નદી ભયજનક સ્થિતિમાં
નર્મદા ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતાં ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. હાલ નદી 25 ફૂટની ઊંચાઈએ વહી રહી છે, જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27થી વધુ ગામોને અલર્ટ જારી કરાયું છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

જંબુસરમાં વરસાદી પાણીની અસર
ભરૂચના જંબુસરમાં ભારે વરસાદના પાણીથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રુનાડે ગામે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકો પાણીના નિકાલ માટે કામગીરી કરી રહ્યા છે.

મહીસાગર નદી બેકાંઠે, મંદિર પાણીમાં ગરક
આણંદમાં કડાણા ડેમમાંથી પાણી છોડાતાં મહીસાગર નદી બેકાંઠે વહી રહી છે. ઉમેટા નજીક મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે, જેના કારણે ભક્તોમાં ચિંતા વ્યાપી છે.

સુરતમાં કીમ નદી વોર્નિંગ લેવલથી ઉપર
સુરતમાં કીમ નદીએ 11 મીટરની વોર્નિંગ સપાટી વટાવી દીધી છે, જેની ભયજનક સપાટી 13 મીટર છે. આના કારણે માંગરોળ અને ઓલપાડ તાલુકાના ગામોને એલર્ટ કરાયા છે.

ડભોઈમાં દેવ અને ઢાઢર નદીનો કહેર
ડભોઈમાં દેવ ડેમમાંથી 12700 ક્યુસેક પાણી છોડાતાં દેવ અને ઢાઢર નદી ગાંડીતૂર બની છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં દંગીવાળા અને મગનપુરાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે 7થી 8 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. નારણપુરા ગામ નદીના પાણીથી બેટમાં ફેરવાયું છે.

સંખેડામાં વરસાદની અસર
છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. વડોદરા-બોડેલી હાઈવે અને ગોલા ગામડી ચાર રસ્તા પર પાણી ભરાયું છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!