ટ્રમ્પ Vs નેતન્યાહુ: લેબનોન સીઝફાયર મુદ્દે અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ટકરાવ, ટ્રમ્પના એક નિવેદનથી ઈઝરાયલી પીએમ કેમ ચોંકી ગયા?

લેબનોનમાં યુદ્ધવિરામ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે તિરાડ પડી છે. ટ્રમ્પના હવે ઘણું થયું વાળા નિવેદનથી ઈઝરાયલ નારાજ છે. જાણો શું છે સમગ્ર વિવાદ અને વ્હાઇટ હાઉસમાં કેમ દોડધામ મચી?

અમેરિકા, રવિવાર
પશ્ચિમ એશિયાના યુદ્ધમાં અત્યાર સુધી એકબીજાના પાકા મિત્ર ગણાતા અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે હવે સીઝફાયર (યુદ્ધવિરામ) ના મુદ્દે મોટો ખટરાગ ઊભો થયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વચ્ચે લેબનોનમાં ચાલી રહેલા હુમલાઓને રોકવા બાબતે મતભેદો સપાટી પર આવ્યા છે. ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટે ઈઝરાયલ સરકારમાં સોપો પાડી દીધો છે.

ટ્રમ્પની જાહેરાતથી નેતન્યાહુ હેરાન
તાજેતરના અહેવાલો મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે લેબનોનમાં યુદ્ધવિરામ અંગે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરી હતી. નવાઈની વાત એ છે કે, આ જાહેરાત પહેલા તેમણે ઈઝરાયલને વિશ્વાસમાં લીધું ન હતું. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું હતું કે, હવે આ બધું ઘણું થઈ ગયું છે, ઈઝરાયલ હવે લેબનોન પર બોમ્બમારો નહીં કરે. જ્યારે નેતન્યાહુને આ વિશે જાણ થઈ ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઈઝરાયલે આ મુદ્દે અમેરિકા પાસે ખુલાસો માંગ્યો છે.

ઈઝરાયલની નારાજગીનું મુખ્ય કારણ શું?
ઈઝરાયલની નારાજગી પાછળનું કારણ ગુરુવાર અને શુક્રવારના નિવેદનોમાં રહેલો તફાવત છે:

ગુરુવારની શરતો: અમેરિકાના વિદેશ વિભાગે અગાઉ કહ્યું હતું કે યુદ્ધવિરામ છતાં ઈઝરાયલ પાસે આત્મરક્ષાનો અધિકાર રહેશે. એટલે કે જો ખતરો દેખાય તો ઈઝરાયલ હુમલો કરી શકતું હતું. ટ્રમ્પે એક ઇન્ટરવ્યુ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહી દીધું કે ઈઝરાયલે હવે અટકવું જ પડશે. તેઓ લેબનોનમાં ઇમારતો ઉડાવવાનું ચાલુ રાખી શકે નહીં. આ જ કારણ છે કે નેતન્યાહુના સલાહકારો અને ઈઝરાયલના રાજદૂતો હવે વ્હાઇટ હાઉસના સંપર્કમાં છે અને જાણવા માંગે છે કે શું અમેરિકાએ રાતોરાત પોતાની પોલિસી બદલી નાખી છે?

શું છે લેબનોનમાં વર્તમાન સ્થિતિ?
લેબનોનમાં છેલ્લા 7 અઠવાડિયાથી ભીષણ લડાઈ ચાલી રહી છે. ટ્રમ્પના નિવેદન બાદ પણ ઈઝરાયલના હુમલા અટક્યા નથી. શનિવારે લેબનોનના દક્ષિણ શહેર કુનીનમાં ઈઝરાયલી ડ્રોન હુમલામાં એક મોટરસાઈકલ સવારનું મોત થયું હતું.

યુદ્ધનો ઘટનાક્રમ
28 ફેબ્રુઆરી: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલા શરૂ કર્યા હતા.
8 એપ્રિલ: ઈરાન સાથે સીઝફાયર થયું.
ઈરાન હવે લેબનોનમાં પણ હુમલા રોકવા માટે દબાણ કરી રહ્યું છે.
ઈઝરાયલ ઈચ્છે છે કે યુદ્ધવિરામ માત્ર ઈરાન પૂરતું મર્યાદિત રહે અને લેબનોનમાં તેમને હુમલા કરવાની છૂટ મળે.

હાલમાં વ્હાઇટ હાઉસમાં ભારે દોડધામ જોવા મળી રહી છે કારણ કે ટ્રમ્પના સીધા વલણથી ઈઝરાયલ જેવો જૂનો સાથી પક્ષ નારાજ દેખાઈ રહ્યો છે. શું ટ્રમ્પના દબાણ સામે નેતન્યાહુ ઝૂકશે કે પછી લેબનોનમાં આ જ રીતે હુમલા ચાલુ રહેશે, તે જોવું મહત્વનું રહેશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!