ટ્રમ્પનો નવો ટેરિફ પ્લાન: સુપ્રીમ કોર્ટના ઝટકા છતાં ભારત સહિત 60 દેશો મુશ્કેલીમાં, જાણો શું છે આખી રણનીતિ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા અને આકરા ટેરિફ લાદવાની તૈયારીમાં છે. ભારત સહિત 60 દેશો હવે અમેરિકાના રડાર પર છે, જેની અસર વૈશ્વિક બજાર પર પડશે.

અમેરિકા, બુધવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિને લઈને ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અન્ય દેશોમાંથી આવતી ચીજવસ્તુઓ પર ટેરિફ (આયાત શુલ્ક) લાદવાના મામલે ટ્રમ્પ કોઈ પણ સમાધાન કરવા તૈયાર નથી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો આંચકો લાગવા છતાં, ટ્રમ્પ પ્રશાસન ભારત સહિત દુનિયાના 60 દેશો વિરુદ્ધ નવા આકરા ટેક્સ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો અને ટ્રમ્પની પ્રતિક્રિયા
ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને ગેરબંધારણીય ગણાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ટ્રમ્પે 1977ના ‘ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA)નો ખોટો ઉપયોગ કરીને ડબલ ડિજિટમાં ટેક્સ વસૂલ્યો હતો.

આ ચુકાદાને કારણે અમેરિકાની તિજોરીમાં જમા થયેલા 166 બિલિયન ડૉલર હવે આયાતકારોને પાછા આપવા પડે તેવી નોબત આવી છે. જોકે, આ કાયદાકીય આંચકા છતાં ટ્રમ્પ ઝૂકવા તૈયાર નથી. તેમણે તુરંત જ 150 દિવસ માટે 10 ટકા ટેમ્પરરી ટેરિફ લાગુ કરી દીધો છે, જેની સમયમર્યાદા 24 જુલાઈના રોજ પૂરી થઈ રહી છે.

નવી કાયમી પોલિસી: હવે સેક્શન 301નો હથિયાર તરીકે ઉપયોગ
ટ્રમ્પ પ્રશાસન હવે ટેમ્પરરી ટેક્સને બદલે કાયમી ટેરિફ પોલિસી લાવવા માટે કમર કસી રહ્યું છે. આ માટે યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા બે મોટી તપાસ શરૂ કરવામાં આવી છે.

હવે જો કોઈ દેશ અમેરિકા સાથે અયોગ્ય કે ભેદભાવપૂર્ણ વેપાર નીતિ અપનાવશે, તો તેના પર ટ્રેડ એક્ટ-1974ના ‘સેક્શન 301’ હેઠળ આકરા ટેરિફ લાદવામાં આવશે. આ નવી નીતિને કારણે આયાત થતી વસ્તુઓ મોંઘી થશે, જેનો સીધો બોજ સામાન્ય જનતા પર મોંઘવારી સ્વરૂપે પડી શકે છે.

કયા દેશો છે ટ્રમ્પના રડાર પર?
અમેરિકાએ હાલમાં બે અલગ-અલગ સ્તરે તપાસ શરૂ કરી છે, જેનાથી અનેક દેશોની ચિંતા વધી ગઈ છે:

જબરન મજૂરી: ભારત સહિત દુનિયાના 60 દેશોમાં મજૂરોનું શોષણ કરીને સસ્તી ચીજો બનાવવામાં આવતી હોવાની આશંકાએ તપાસ શરૂ કરાઈ છે. અમેરિકા આવી ચીજોની આયાત પર રોક લગાવવા માંગે છે.
ઓવર પ્રોડક્શન: ચીન, જાપાન અને યુરોપીયન યુનિયન સહિતના 16 મુખ્ય ટ્રેડ પાર્ટનર્સ સામે તપાસ ચાલી રહી છે. આરોપ છે કે આ દેશો વધુ પડતું ઉત્પાદન કરીને બજારમાં સસ્તા ભાવે માલ ઠાલવે છે, જેનાથી અમેરિકન કંપનીઓને નુકસાન થાય છે.

શા માટે લેવાયો આ નિર્ણય?
અમેરિકામાં ટૂંક સમયમાં મિડટર્મ ઇલેક્શન આવવાના છે. તેને ધ્યાનમાં રાખીને ટ્રમ્પ પ્રશાસન એવો સંદેશ આપવા માંગે છે કે તેઓ અમેરિકન ઉદ્યોગો અને નોકરીઓને બચાવવા માટે મક્કમ છે. જો આ તપાસમાં દેશો દોષિત જણાશે અથવા પોતાની વેપાર નીતિમાં ફેરફાર નહીં કરે, તો તેમના પર નવા ટેક્સનો ઝીંકવામાં આવશે.

ટ્રમ્પની આ નવી વેપાર નીતિથી ભારત જેવા દેશો માટે નિકાસના મોરચે મુશ્કેલીઓ વધી શકે છે. એક તરફ સુપ્રીમ કોર્ટ ટેક્સને ગેરબંધારણીય ઠેરવી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પ નવા કાયદાઓ શોધીને ટેરિફ લાદવા પર મક્કમ છે. હવે જોવાનું એ રહેશે કે 24 જુલાઈ પછી વૈશ્વિક બજારમાં આયાત-નિકાસના સમીકરણો કેવા વળાંક લે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!